આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરોની છુટ્ટા હાથની મારામારી થઈ, હાડકા ભાંગી જાય એટલી હદની મારામારી થઈ છે. મળતી માહિતી પ્રમાણે તોડપાણી કરવાના પૈસાની વહેંચણીને લઈને ભાજપના કોર્પોરેટરો અંદરો અંદર લડ્યા હતા. ભાજપમાં રિવાજ છે કે નવું બાંધકામ થતું હોય તો અરજીઓ થાય અને ત્યારબાદ જે પૈસા ઉઘરાવવામાં આવે, એ કોર્પોરેટરો વચ્ચે વહેંચાય છે. જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર 5 માં કોર્પોરેટરો વચ્ચે તોડપાણી કરેલા પૈસાની વહેંચણીને લઈને આરોપો અને પ્રત્યારોપો થયા અને ધારાસભ્યની હાજરીમાં જ આ પૈસાની વહેંચણી લઈને ઝઘડો થયો અને મારામારીની ઘટના ઘટી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, મારે સુરતના અને ગુજરાતના લોકોને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ, પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓનું કામ માત્ર ને માત્ર પૈસા ભેગા કરવાનું છે, એમનો ધંધો જ લોકોને લૂંટવાનો અને ઘર ભરવાનો છે. અને આ બાબત આપણે તમામ લોકો વર્ષોથી સમજી રહ્યા છીએ. હું આ લોકોને ફક્ત એટલું જ કહેવા માંગીશ કે લોકોએ તમને મત આપ્યા છે અને લોકોએ સેવા કરવાની તક આપી છે તો સુરતના પડતર પ્રશ્નોનું સમાધાન કરો અને લૂંટ બંધ કરો, નહિતર જનતા કોઈની સગી નથી અને તમારી પણ સગી નહીં થાય.





