ગુજરાતમાં હવે, ઉંદરો પકડવા માટેના ‘ગ્લુ ટ્રેપ–સ્ટીકી બોર્ડ્સ’ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ નાગરિકો પણ ઘર, ઓફિસ કે ફેક્ટરીમાં ઉંદર નિયંત્રણ માટે ગ્લુ ટ્રેપનો ઉપયોગ નહીં કરી શકે સમગ્ર રાજ્યમાં ઉંદર અને અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતા ગ્લુ ટ્રેપ અથવા સ્ટીકી બોર્ડ્સના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્લુ ટ્રેપ પર ખૂબ જ મજબૂત અને ન સુકાતું ગુંદર લગાડેલું હોય છે. જ્યારે કોઈ પ્રાણી કે પક્ષી તેના પર ચોંટી જાય છે ત્યારે તે પોતાને છોડાવવાના પ્રયાસમાં ગંભીર રીતે ઘવાય છે. પ્રાણીઓ ભૂખ, તરસ, ગૂંગળામણ અથવા પોતાના જ અંગો ઈજાગ્રસ્ત થવાથી અત્યંત વેદનાદાયક રીતે તડપી-તડપીને મૃત્યુ પામે છે. આ પ્રક્રિયા ‘પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, ૧૯૬૦’ની કલમ ૧૧(૧) નો સીધો ભંગ કરે છે. આ ઉપરાંત ભારતીય પ્રાણી કલ્યાણ બોર્ડની માર્ગદર્શિકાઓ મુજબ પણ આ પદ્ધતિ અત્યંત અમાનવીય અને ગેરકાનૂની છે. ઉદ્યોગ અને ખાણ વિભાગના આદેશ અનુસાર સરકારી ખરીદી માટેના ય્ીસ્ પોર્ટલ તેમજ અન્ય ઈ-કોમર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ગ્લુ ટ્રેપનું લિસ્ટિંગ અને વેચાણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યું છે. તમામ સરકારી વિભાગો, બોર્ડ, કોર્પાેરેશન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ગ્લુ ટ્રેપ ખરીદવા કે વાપરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.આ પ્રતિબંધનો ભંગ કરનાર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ તથા ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ગુનો નોંધાઈ શકે છે અને કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. જિલ્લા પોલીસ અને સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સને આ અંગે ફરિયાદો નોંધી કડક પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે.ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, ખરીદ-વેચાણ કે સ્ટોક રાખવો ગેરકાનૂની છે, તેથી તમામ વેપારીઓએ તેનો સંગ્રહ કે વેચાણ તાત્કાલિક બંધ કરવાનું રહેશે.નાગરિકોએ પણ ઘર, ઓફિસ કે ફેક્ટરીમાં ઉંદર નિયંત્રણ માટે ગ્લુ ટ્રેપનો ઉપયોગ ન કરવો. તેના બદલે માનવીય અને કાયદાકીય રીતે માન્ય અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેમ કે પાંજરું અથવા નોન-લેથલ (અહિંસક) ઉપાયોનો ઉપયોગ કરી શકાશે.





