
આમ આદમી પાર્ટીના નેતા પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવતા આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જીગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એમનો વાંક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદ સાંભળવા માટે જ્યારે લોકોએ તેમને બોલાવ્યા, ત્યારે તેઓ ત્યાં ગયા હતા. તેમણે ભાજપના કોર્પોરેટરને બોલાવી આ મુદ્દા પર રજુઆત કરી હતી.આજે ગુજરાતમાં ભાજપના નેતાઓનો અહંકાર એટલો વધી ગયો છે કે તેઓને હવે લોકોની વાત સાંભળવી પણ ગમતી નથી. કોઈ સવાલ પૂછે, કોઈ તેમના કામ અંગે પ્રશ્નો કરીને તેમને ઘેરવાની કોશિશ કરે તો તેઓ સહન કરી શકતા નથી. સત્તામાં ત્રીસ વર્ષથી હોવા છતાં લોકોના પ્રશ્નોનું સમાધાન કરવાની જગ્યાએ આવા જીવલેણ હુમલા કરવાનું કામ કરવામાં આવે છે. ખૂબ દુઃખની વાત છે.
AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બહેનને શક્તિ આપે અને તેઓ જલ્દી સાજા થાય. સાથે સાથે ભાજપના અહંકારી નેતાઓને પણ સદબુદ્ધિ આપે, કારણ કે ગુજરાતની રાજનીતિમાં આવા હુમલાઓનું કોઈ સ્થાન નથી. ગુજરાતના લોકો તમને સારી રીતે ઓળખી ગયા છે. ગુજરાતની જનતા જાણે છે કે ત્રીસ વર્ષથી કંઈ કામ ન કરી શકવાના કારણે આજે આવી સ્થિતિ ઉભી થઈ છે. મારી વિનંતી છે કે આવા હુમલાઓ બંધ કરો. આવતી કાલે તમારા ઘરમાં પણ દીકરીઓ અને બહેનો હોઈ શકે. હિંસા અને હુમલાની રાજનીતિ ગુજરાત માટે યોગ્ય નથી. આવા હુમલાઓ વધતા જાય અને પરિસ્થિતિ વધુ ખરાબ બને તે પહેલાં ચેતવાની જરૂર છે. ભગવાન ભાજપના નેતાઓને સદબુદ્ધિ આપે અને જીગીશાબેન પટેલ જલ્દીથી સાજા થઈ ફરીથી લોકસેવામાં જોડાય તેવી પ્રાર્થના કરું છું.




