આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ વડોદરા માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર હારવા બદલ તેઓ કોંગ્રેસના તમામ મિત્રોને હારની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના નેતાઓ સતત હાર સહન કરી કરીને મજબૂત બની ગયા છે અને તેઓ માત્ર હારવા માટે જ ચૂંટણી લડે છે, તેથી તેમને હારનું દુઃખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાર્થના કરવાની પણ જરૂર નથી. કોઈપણ ચૂંટણી કે આંદોલનમાં પોતાની નિષ્ફળતા અને પાપ છુપાવવા માટે કોંગ્રેસ હંમેશાં અન્ય પર દોષનો ટોપલો ઢોળતી આવી છે. ભૂતકાળનો ઇતિહાસ જોઈએ તો, ૨૦૦૮માં ભાજપના અસંતુષ્ટોના નામે, ૨૦૧૨માં કેશુબાપા અને GPPના નામે, ૨૦૧૭માં પાટીદાર અને OBC/SC/ST આંદોલનોના નામે અને ૨૦૨૨ની વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી (AAP) પર દોષ ઢોળીને કોંગ્રેસ પોતાની હાર છુપાવતી રહી છે. સ્થાનિક સ્વરાજની કુલ ૧૦,૦૦૦ સીટોમાંથી AAP માત્ર ૫,૦૦૦ સીટો પર લડી હતી, છતાં બાકીની ૫,૦૦૦ સીટો પર પણ કોંગ્રેસ કોઈ ઐતિહાસિક વિજય મેળવી શકી નહોતી. વિસાવદર પેટાચૂંટણીમાં ગઠબંધન હોવા છતાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતારીને ભાજપને મદદ કરી હતી, જ્યારે ઉમરેઠ કે માંજલપુર જેવી ચૂંટણીઓમાં AAP ઉમેદવાર ન હોવા છતાં કોંગ્રેસનો પરાજય થયો છે.
’આપ’ પ્રવક્તા યોગેશ જાદવાણીએ વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ છેલ્લા ૩૬ વર્ષથી વિરોધપક્ષનો હોદ્દો ભોગવીને ભાજપના ભાડાપટ્ટે ચાલે છે અને વિરોધી મતો મેળવીને ભાજપને જ જીતાડવાનું કામ કરે છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં પણ કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે સભા યોજી હતી, પરંતુ ખેડૂતો ન જતા તેનો દોષ પણ સોશિયલ મીડિયામાં AAP પર ઢોળવામાં આવ્યો હતો. તેમણે કોંગ્રેસના નેતાઓને વિનંતી કરતા હાથ જોડીને અપીલ કરી કે તેઓ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી લડવાનો પ્રોગ્રામ કેન્સલ રાખે, કારણ કે ભાજપ સામે લડવાની નીતિ, રીતિ અને પ્રામાણિકતા AAP પાસે છે અને તેઓ ભાજપને હરાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ગુજરાતની જનતાને પણ અપીલ કરી કે છેલ્લા ૩૦ વર્ષથી ભાજપને હરાવવામાં અસમર્થ રહેલી કોંગ્રેસને મત આપીને પોતાનો મત ન વેડફે. કોંગ્રેસ ભાજપ સાથે ટેન્ડરો અને ભાગીદારીઓ રાખીને ગુજરાતને બરબાદ કરવામાં ભાગીદાર રહી છે, તેથી હવે ગુજરાતની જનતા AAPને એક તક આપે જેથી ભાજપના તાનાશાહી શાસનમાંથી મુક્તિ મેળવી શકાય.





