
પાકિસ્તાની ખેલાડીઓને ભારતની જીત પચી નહીં ભારતે ક્રિકેટ બરબાદ કરી નાંખ્યું છે : શોએબ અખ્તર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું હતું કે, ભારતની વધતી જતી તાકાતે ક્રિકેટને નુકસાન પહોંચાડ્યું છે
T20 વર્લ્ડ કપમાં ભારતના વિજય બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આકરા પ્રહારો કર્યા છે. તેણે દાવો કર્યો કે ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે. અખ્તરે ટીમ ઈન્ડિયાની તુલના ગલી ક્રિકેટમાં દાદાગીરી કરતા કોઈ અમીર બાપના નબીરા સાથે કરી હતી.
T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઈનલમાં ભારતના શાનદાર પ્રદર્શને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૯૬ રને હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો. જ્યાં આખું વિશ્વ ભારતના વખાણ કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે.
પાકિસ્તાની શૉ ગેમ ઓન હૈના એક એપિસોડમાં શોએબ અખ્તરે ક્રિકેટની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ભારતની વધતી જતી તાકાતે ક્રિકેટને નુકસાન પહોંચાડ્યું છે. આ તો પેલા ગલીના અમીર છોકરા જેવું છે, જે આજુબાજુના ગરીબ છોકરાઓને બોલાવે અને કહે કે ચાલો ક્રિકેટ રમીએ. ભારત પણ આપણી સાથે એવું જ કરી રહ્યું છે. ૮ ટીમમાંથી તેઓ ૪ રાખે છે અને એમાંથી પણ પોતાની મરજી મુજબની ટીમોને આગળ વધારીને છેલ્લે કહે છે કે જુઓ, હું જીતી ગયો. તેમણે આખું ક્રિકેટ ખતમ કરી નાખ્યું છે.
શોએબ અખ્તરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. ક્રિકેટ ચાહકોનું માનવું છે કે, અખ્તર ભારતની જીત પચાવી શક્યો નથી. રસપ્રદ વાત એ છે કે, આ ફાઈનલ મેચ પહેલા અખ્તરનો સૂર થોડો અલગ હતો. તેણે કહ્યું હતું કે ‘ભારત ફેવરિટ છે, પરંતુ હું ઈચ્છું છું કે ‘ક્રિકેટના હિતમાં’ ન્યૂઝીલેન્ડની જીત થાય. આ પહેલા પણ તેણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે ભારત સામે ન્યૂઝીલેન્ડ દબાણમાં આવી જશે કારણ કે, ભારત પર પણ ૧૫૦ કરોડ લોકોનું દબાણ છે. ટીમ ઈન્ડિયા અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારી ચૂકી છે, પરંતુ હું ભારતને વિજેતા તરીકે જાેઉં છું.
જાે કે, આ શૉમાં અખ્તરે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું કે મુશ્કેલ સમયમાં ખેલાડીઓને સાથ આપવાની ગંભીરની શૈલીએ ભારતની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે. માત્ર અખ્તર જ નહીં, અન્ય પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ આમિરે વિચિત્ર તર્ક આપીને ટીમ ઈન્ડિયાને ઉતરતી ગણાવાનો પ્રયાસ કર્યો છે.
આમિરે જણાવ્યું કે ભારતની જીતનો શ્રેય ન્યૂઝીલેન્ડના બોલરોને જાય છે! કિવી બોલરો ભારતીય બેટર્સ પર દબાણ બનાવવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે ભારત આસાનીથી મેચ પર પકડ બનાવી શક્યું. જાે કે, નિષ્ણાતોના મતે, ભારતની આ જીત કોઈ નસીબ કે અન્યની ભૂલ નથી, પરંતુ સમગ્ર ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ બતાવેલા સાતત્યપૂર્ણ પ્રદર્શનનું પરિણામ છે.




