
વિધાનસભામાં પ્રશ્નોતરી મામલે મીડિયા વાત કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે, 12 માર્ચ 2026ના રોજ ગુજરાત વિધાનસભાના સત્રમાં હું જે વાત સરકારના ધ્યાનમાં મૂકવા માગતો હતો, પણ સમયના અભાવે તે વાત હવે જનતાના ધ્યાનમાં મૂકવા માગું છું. જુનાગઢ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે થતી ખરીદી અંગે ખેડૂતોમાં ભારે અસંતોષ છે. હકીકતમાં ટેકો ખેડૂતોને નહીં પરંતુ ભાજપના વચેટિયાઓને મળી રહ્યો છે, એવો ખેડૂતોનો આક્ષેપ છે. જો ખરેખર ખેડૂતોને ટેકો આપવાનો હોય તો ખેડૂતના ખેતરમાં પાકેલો તમામ પાક ખરીદવો જોઈએ. ખેડૂતના ખેતરમાં જો 400-500 મણ મગફળી, સોયાબીન કે તુવેરનો પાક થાય તો પણ ટેકાના ભાવે વેચવા માટે તેને માત્ર 100 થી 125 મણ જેટલો જ માલ વેચવાની તક મળે છે. આ માટે પણ ખેડૂતોને મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. ખરીદી કેન્દ્રોમાં માલ વેચવા જતાં ખેડૂતોને દિવસો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. લાઈનમાં ઉભા રહ્યા પછી પણ માલ સારો છે કે નહીં તેની તપાસ માટે કેટલાક સ્થળોએ પૈસા આપવાના આરોપો છે. ત્યારબાદ માલ પસંદ થાય તો પણ તેની ચૂકવણી મહિનાઓ સુધી મળતી નથી. આ રીતે ટેકાના ભાવની યોજના ખેડૂતોને સાચો ટેકો આપતી નથી, પરંતુ વચેટિયાઓને લાભ થાય છે તેવી ખેડૂતોમાં લાગણી છે. આ મુદ્દાઓ હું વિધાનસભામાં ઉઠાવવા માગતો હતો, પરંતુ સમયના અભાવે ચર્ચા થઈ શકી નથી. તેથી આ બાબતે મેં નોટિસ આપી છે અને હવે આ મુદ્દો જનતાના ધ્યાનમાં મૂક્યો છે.
વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે સરકારે કાંટાના તારની વાડ બનાવવાની યોજના જાહેર કરી છે. આ યોજનામાં ખેડૂતોને સબસિડી આપવામાં આવશે. પરંતુ તેમાં નિયમ એવો રાખવામાં આવ્યો છે કે 5, 10 અથવા 20 ખેડૂતોનું ક્લસ્ટર બનાવીને સંયુક્ત અરજી કરવી પડશે, ત્યારબાદ જ બધાને મળીને સબસિડીવાળી કાંટાના તારની વાડનો લાભ મળશે. પરંતુ જંગલ વિસ્તારની આજુબાજુ રહેતા ખેડૂતોને જંગલી પ્રાણીઓનો વિશેષ ત્રાસ રહે છે. તેથી આવા વિસ્તારોમાં આવેલા ખેડૂતોને આ યોજનામાં વધુ સહાય અને વિશેષ લાભ આપવો જોઈએ. ઉદાહરણ તરીકે, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં જંગલી પ્રાણીઓનો ત્રાસ ઓછો છે, જ્યારે વિસાવદર તાલુકામાં સિંહ, ચીતલ, જરખ, વાંદરા, નીલગાય સહિત અનેક જંગલી પ્રાણીઓના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. આ મુદ્દે મેં ખેડૂતોના પ્રશ્નો સરકારના ધ્યાનમાં લાવવા માટે વિધાનસભામાં નોટિસ આપી હતી, પરંતુ સમયના અભાવે તેની ચર્ચા થઈ શકી નથી.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે જુનાગઢ જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં ભાજપ સાથે જોડાયેલા કેટલાક લોકો નકલી સહકારી મંડળીઓ બનાવી સહકારી ક્ષેત્ર ઉપર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક સ્થળોએ ખોટા નામોથી, અહીં સુધી કે મૃત વ્યક્તિઓના નામે પણ સહકારી મંડળીઓ નોંધાવી દેવામાં આવી છે. આવી મંડળીઓ દ્વારા તાલુકા સહકારી સંગ, માર્કેટિંગ યાર્ડ, જિલ્લા સહકારી સંસ્થાઓ તથા દૂધ ઉત્પાદન સંઘ જેવી સંસ્થાઓમાં કબજો મેળવવાનો પ્રયાસ થાય છે. આ ગેરકાયદેસર સહકારી મંડળીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી મેં સરકાર સમક્ષ કરી છે. તેમણે કહ્યું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાની વાત સરકારે વિધાનસભામાં લેખિત જવાબમાં સ્વીકારી છે. નિયમ મુજબ ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, માર્કેટિંગ યાર્ડ, સહકારી બેંક અથવા અન્ય સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યોની મુદત પૂર્ણ થાય તો વહિવટદાર અથવા પ્રશાસકની નિમણૂંક કરવી જરૂરી છે. છતાં પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં મુદત પૂર્ણ થયા પછી પણ કેટલીક વ્યક્તિઓ પદ પર યથાવત્ છે. આ મુદ્દે પણ મેં સરકારનું ધ્યાન દોર્યું છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે ખેતી વિષયક સહકારી મંડળીઓનું સમયસર ઓડિટ થતું નથી. ઘણા વર્ષો સુધી ઓડિટ ન થવાને કારણે કેટલીક જગ્યાએ ગેરરીતિઓ થાય છે અને બાદમાં નુકસાન ખેડૂતોને સહન કરવું પડે છે. તેથી સહકારી મંડળીઓનું દર વર્ષે ફરજિયાત ઓડિટ થવું જોઈએ એવી માંગણી મેં રજૂ કરી છે. આ ઉપરાંત મેં રાજ્યમાં સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી સ્થાપવાની માંગણી સાથે પ્રશ્ન પૂછ્યો હતો. મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓને એક જ સંસ્થા હેઠળ લાવવા માટે મેડિકલ યુનિવર્સિટી સ્થાપવાની જરૂર છે. સરકારે જવાબમાં જણાવ્યું કે આ અંગે વિચારણા ચાલી રહી છે અને વર્ષ 2024-25 માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે પ્રશ્ન કર્યો કે માત્ર એક કરોડ રૂપિયામાં યુનિવર્સિટી કેવી રીતે બની શકે? એક કરોડ રૂપિયામાં કોલેજ પણ બનવી મુશ્કેલ છે. આ સિવાય તેમણે જણાવ્યું કે વિસાવદર તાલુકા પંચાયતનું પોતાનું મકાન નથી. રાજ્યમાં અનેક ગામોમાં ગ્રામ પંચાયતના મકાન નથી, ઘણા તાલુકાઓમાં તાલુકા પંચાયતના મકાન નથી, અનેક આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે અને ઘણા પોલીસ સ્ટેશનોને પોતાનું મકાન નથી. વિધાનસભાના સત્ર દરમિયાન વિવિધ મુદ્દાઓ પર મેં નોટિસ આપી, સૂચનાઓ આપી અને પ્રશ્નો પૂછ્યા. કેટલાક મુદ્દાઓ સમય મર્યાદામાં રજૂ થઈ શક્યા અને કેટલાક રહી ગયા. આશા રાખીએ છીએ કે સરકાર માત્ર પોતાના વખાણ કરવાને બદલે વાસ્તવિક કામગીરી પર ધ્યાન આપશે.




