
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારે ખુશી સાથે જણાવવું છે કે વિધાનસભાના ગૃહમાં સમાજના એવા વર્ગ માટે અવાજ આવ્યો જેમનો અવાજ આજ સુધી વિધાનસભા પહોંચ્યો નથી. ભારત દેશ અને ગુજરાતમાં જ્યાં જેઓ એક ફુટ જમીનના પણ માલિક નથી, એવા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો એટલે કે દેવીપુજક સમાજ, વણઝારા સમાજ, મદારી, રાવળ વગેરે સમાજના લોકો. સરકાર પોતે માને છે કે આ વિચારતી અને વિમુક્ત જાતિ છે, જેઓ ભટકતું જીવન જીવે છે. જે લોકો પાસે પોતાની જમીન નથી હોતી તે ગામના છેવાડે સરકારી જમીન પર ઝુંપડા બાંધીને રહેતા હોય છે અને ચૂંટણી સમયે ભાજપના લોકો તેમના પર દબાણ કરતા હોય છે કે “જો ભાજપને મત નહીં આપો તો તમારું ઘર તોડી નાખીશું.” તો આ તમામ જાતિના લોકોને સરકાર સ્થાયી સરનામું આપે, ઘર આપે કે પ્લોટ આપે કે સરકારને જે યોગ્ય લાગે એ કરે પરંતુ તેમને સ્થાયી રહેવાની વ્યવસ્થા કરીને આપે એ મુદ્દે મેં વિધાનસભામાં રજુઆત કરી. મત જોઈતા હોય છે ત્યારે લોકો દેવીપુજક સમાજના આંગણે જતા હોય છે પરંતુ વિધાનસભામાં એમની વાત કોઈ કરતું નથી, પરંતુ હું વિસાવદર લોકોનો આભાર માનીશ કે એમને મને એ લાયક બનાવ્યો કે આજે મેં આ તમામ જાતિના લોકો માટે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, આજે શિક્ષણ વિભાગની માંગણી મંત્રી લઈને આવ્યા હતા, તો મેં વિસાવદર તાલુકામાં ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહની સરકારી શાળા શરૂ કરવામાં આવે તેવી માંગણી શિક્ષણ મંત્રી સમક્ષ રજૂ કરી હતી. ગુજરાતમાં ખેતી પછી સૌથી મોટો વ્યવસાય પશુપાલનનો છે અને માલધારી સમાજ વર્ષોથી પશુપાલન સાથે જોડાયેલ છે, તો આજે મેં ગુજરાત સરકારના મંત્રીને સવાલ પૂછ્યો કે માલધારી સમાજને ગામતળના વાડા આપવા માટે સરકારની યોજના છે? એક બાજુ ગાયોના નામે ભાજપના લોકો મત માગે છે અને ગાયોનું પાલન કરતા લોકો પર દમન કરવામાં આવે છે. શહેરોમાં જે માલધારી સમાજના લોકો વસે છે, એમને પશુઓ બાંધવા માટે જગ્યા આપવામાં આવતી નથી તો શહેરમાં રહીને પશુપાલન કરવું કેમ? ભાજપના લોકો પહેલા એવું લાવ્યા કે પશુને રાખવા માટે લાયસન્સ લેવું પડશે પરંતુ હવે નવો નિયમ લાવ્યા કે શહેરોમાં પશુ રાખી શકાશે જ નહીં અને હવે તો શહેરોને “નો કેટલ ઝોન” જાહેર કરવામાં આવેલ છે. મારા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં કોઈપણ માલધારીને વાડો આપવામાં આવ્યો નથી. ઉદ્યોગપતિઓને આપવા માટે સરકાર પાસે હજારો એકર જમીન હોય છે. એક રૂપિયા મીટરના ભાવે હજારો એકર જમીન ભાજપના મળતીયાઓને આપવામાં આવે છે. અમારા વિસાવદરમાં ગઢવી માલધારી રહે છે, વર્ષો પહેલાંથી સાસણમાં રહીને પશુપાલન કરીને પોતાનો પરિવાર ચલાવતા હતા પછી વન વિભાગ દ્વારા તેમને પરેશાન કરીને જંગલની બહાર કાઢવામાં આવ્યા હાલ તે લોકો પશુપાલન કરે છે પરંતુ એમની પાસે જેટલી પણ ગાયો હોય તેને બાંધવા માટે તેમની પાસે જગ્યા જ નથી. મજબૂરીવશ સરકારી જગ્યા પર ગાયો ભેંસોનું પાલન પોષણ કરે છે. પરંતુ દર ચૂંટણી ટાણે તેમણે હેરાન કરવામાં આવે છે કે “જો ભાજપને વોટ નહીં આપો તો આ જગ્યા ખાલી કરાવી દઈશું” તમે આજે વિસાવદરની સાથે સાથે સમગ્ર ગુજરાતના માલધારી સમાજના લોકોને વાડા ફાળવવામાં આવે એ બાબતની સરકારમાં રજૂઆત કરી હતી.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, બીજી એક મહત્વપૂર્ણ બાબત કે કેશુબાપાનું સપનું હતું કે આખું કાઠીયાવાડ સિંચાઈના પાણીથી સમૃદ્ધ બને અને તેઓ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે કલ્પસર યોજના શરૂ કરી. દુર્ભાગ્ય એ છે કે એક સારી યોજના બહાર પાડનાર કેશુબાપાની સરકાર કાવતરા કરીને ભાજપવાળાઓએ છીનવી લીધી અને જ્યારથી કેશુબાપાની સરકાર ગઈ ત્યારથી આ કલ્પસર યોજના લોચે પડી ગઈ છે. આજે મારો સવાલ હતો કે કલ્પસર યોજનામાં છેલ્લા બે વર્ષમાં કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી. તો સરકારે મને જવાબ આપ્યો કે 4 કરોડની ગ્રાન્ટ પાડવામાં આવી છે. તો હકીકત એ છે કે જે કલ્પસર યોજના બની જ નથી, જ્યાં એક પણ ઈંટ લાગી નથી, ત્યા 4 કરોડનો ખર્ચો છેલ્લા બે વર્ષમાં કરી નાખવામાં આવ્યો. હજુ તો કલ્પસર યોજનાનો ડીપીઆર ચાલે છે મતલબ કે યોજના ક્યાં કઈ રીતે બનાવવી તેનો સર્વે ચાલે છે. 25 વર્ષથી સર્વે થઈ રહ્યા છે અને બીજી બાજુ કરોડોનો ખર્ચો થઈ રહ્યો છે તો મને લાગી રહ્યું છે કે “બોલવામાં સુરા અને કામ કરવામાં શૂન્ય”. વિધાનસભાના માધ્યમથી રોજ ભાજપ સરકારની નિષ્ફળતાના આંકડાઓ આપણા સુધી પહોંચી રહ્યા છે. ભાજપના લોકોને વિનંતી છે કે હવે થોડો સમય તમારી પાસે બચ્યો છે તો થાય એટલું કામ કરી લો કારણ કે હવે જનતા જાગૃત થઈ ચૂકી છે અને આખા ગુજરાતમાં “વિસાવદરવાળી” થવાની તૈયારી છે.




