સંકટમાં મિત્રની વહારે ભારત ભારતે પેટ્રોલ-ડીઝલ માટે તરસતાં રશિયાને જ ઈંધણ વેચી કરી મદદ ભારતે સમુદ્રી માર્ગે ૬૦,૦૦૦ મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું ભારતે રશિયા સાથેની પોતાની વર્ષો જૂની દોસ્તીની ફરજ ફરી એકવાર નિભાવી છે. અગાઉ જ્યારે પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે મોટાભાગના દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા ડરતા હતા, ત્યારે ભારતે રેકોર્ડ સ્તરે રશિયન ઓઇલ ખરીદીને તેને આર્થિક ટેકો આપ્યો હતો. હવે ફરી એકવાર સંકટના સમયે ભારત રશિયાની વહારે આવ્યું છે. તફાવત માત્ર એટલો છે કે આ વખતે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી નથી રહ્યું, પરંતુ રશિયામાં સર્જાયેલી ઇંધણની તંગીને દૂર કરવા માટે અહીંથી ગેસોલિન એટલે કે પેટ્રોલની સપ્લાય કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુક્રેનના હુમલાને કારણે સર્જાયેલી ઇંધણની કટોકટી વચ્ચે રશિયાએ દરિયાઈ માર્ગે ભારતમાંથી પેટ્રોલની આયાત કરવાનું શરૂ કરી દીધું છે.
રિપોર્ટ અનુસાર, યુક્રેન દ્વારા સતત કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાના કારણે રશિયાની અસંખ્ય ઓઇલ રિફાઇનરીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. આ હુમલાઓને કારણે રશિયામાં પેટ્રોલનું સ્થાનિક ઉત્પાદન ખોરવાઈ ગયું છે અને દેશમાં ઇંધણની ભારે અછત સર્જાઈ છે. હાલમાં રશિયાના ઘણા વિસ્તારોમાં પેટ્રોલનું રેશનિંગ કરવું પડી રહ્યું છે, પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જાેવા મળી રહી છે અને ગેસોલિનના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે રશિયાએ ભારત પાસેથી દરિયાઈ માર્ગે ગેસોલિન મંગાવ્યું છે.
અહેવાલો મુજબ, ભારત તરફથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછું ૬૦ હજાર મેટ્રિક ટન ગેસોલિન (પેટ્રોલ) રશિયા મોકલવામાં આવી ચૂક્યું છે. શરૂઆતી તબક્કામાં બે મોટા દરિયાઈ ટેન્કરોમાં આશરે ૩૦ હજારથી ૪૦ હજાર ટન ઇંધણ લોડ કરીને રવાના કરવામાં આવ્યું છે. જાેકે, સુરક્ષા અને વ્યાપારિક કારણોસર ભારતની કઈ રિફાઇનરી આ સપ્લાય પૂરી પાડી રહી છે તેની સત્તાવાર વિગતો હજી સામે આવી નથી. રશિયા માત્ર ભારત પર ર્નિભર રહેવા માંગતું નથી, તેથી તે ભારત ઉપરાંત બેલારુસ જેવા પાડોશી દેશો પાસેથી પણ દર મહિને અંદાજે ૪ લાખ ટન ગેસોલિન આયાત કરવાનું આયોજન કરી રહ્યું છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ સ્વીકાર્યું છે કે યુક્રેનના ડ્રોન હુમલાઓએ દેશની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતાને પ્રભાવિત કરી છે. રશિયામાં સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં દરરોજ અંદાજે ૧.૧૦ લાખ ટન ગેસોલિનની વપરાશ થાય છે. આવી સ્થિતિમાં સ્થાનિક ઉત્પાદન ઘટતાં રશિયન સરકાર માટે ઇંધણની આયાત કરવી અનિવાર્ય બની ગઈ છે. આ કટોકટીને પહોંચી વળવા માટે તાજેતરમાં જ રશિયાની સંસદે ટેક્સના નિયમોમાં ફેરફાર કરીને ઇંધણની આયાતને પ્રોત્સાહન આપવા અને સબસિડી આપવાનો પણ ર્નિણય કર્યો છે.
આ સમગ્ર મામલામાં સૌથી રસપ્રદ વાત એ છે કે ભારત એક તરફ રશિયાને પેટ્રોલ મોકલી રહ્યું છે, તો બીજી તરફ તે રશિયાના ક્રૂડ ઓઇલનો વિશ્વમાં સૌથી મોટો ખરીદદાર દેશ પણ બનેલો છે. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, જૂન મહિનામાં ભારતે રશિયા પાસેથી દરરોજ આશરે ૨૭ લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે અત્યાર સુધીનો હાઈએસ્ટ રેકોર્ડ છે. ભારતે કુલ આયાત કરેલા ક્રૂડ ઓઇલમાં રશિયન ઓઇલનો હિસ્સો ૫૦%થી વધુ રહ્યો છે. વૈશ્વિક સ્તરે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાનું વધુ ઝડપી બનાવ્યું છે.





