
એલપીજીમાં વર્ષે રૂ.૩૨૮ અબજની ખોટ જવાનું જાેખમ એક્સાઈઝ ડ્યુટી વધુ હોવાથી ક્રૂડ $૧૧૦ થાય ત્યાં સુધી ઈંધણ મોંઘું નહીં થાય પેટ્રોલ પર લિટર દીઠ રૂ.૧૯.૯ અને ડીઝલ પર રૂ.૧૫.૮ એક્સાઈઝ ડ્યુટી વસૂલાતી હોવાથી ક્રૂડના આંચકા હળવા બનશે
ઈરાન-યુએસ યુદ્ધના કારણે ક્રૂડની કિંમતો વધી રહી છે, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ક્રૂડના આંચકાને હળવા બનાવી રહ્યા છે. પેટ્રોલ પર લિટર દીઠ રૂ.૧૯.૯ અને ડીઝલ પર રૂ.૧૫.૮ એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે.
ક્રૂડની કિંમતો ૧૧૦ ડોલર પ્રતિ બેરલને પાર ન કરે ત્યાં સુધી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને નાગરિકોને રાહત મળી શકે છે. એલારા કેપિટલના રિપોર્ટ મુજબ, ક્રૂડની કિંમતો ૧૧૦ ડોલર રહે ત્યાં સુધી ભાવ વધારા સામે સંપૂર્ણ રાહત મળી શકે છે. ત્યારબાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાનું અનિવાર્ય બનશે. ૪૦-૪૫ ડોલર સુધી ક્રૂડના આંચકાને ભારત પચાવી શકે છે, પરંતુ ૧૧૦ ડોલરથી વધુ ભાવ થાય તો સામાન્ય વપરાશકારોનો બોજ વધવાનું નિશ્ચિત છે. ક્રૂડની કિંમતોમાં બેરલ દીઠ ૧૦ ડોલરનો વધારો થાય તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓના નફામાં લિટર દીઠ ૬.૩નો ઘટાડો થશે અને એલપીજીમાં કિલો દીઠ રૂ.૧૦.૨નું નુકસાન થશે. એલપીજીમાં વર્ષે રૂ.૩૨૮ અબજની ખોટ જવાનું જાેખમ રહેલું છે. ક્રૂડની કિંમતો ૧૦ ડોલર સુધી વધે તોઓઈલ માર્કેટિંગ કંપનીઓના માર્જિન બેરલ દીઠ ૫ ડોલર થઈ શકે છે, પરંતુ તેના કારણે એલપીજીમાં આવતું નુકસાન સંપૂર્ણ સરભર કરી શકાય તેમ નથી. યુએસ-ઈરાન યુદ્ધના કારણે ક્રૂડની કિંમતોમાં આવેલા ઉછાળાએ ભારતના ઓઈલ-ગેસ ક્ષેત્રને મોટા આંચકા આપ્યા છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતો ૧૦૦ ડોલર, ૧૨૫ ડોલર અને ૧૫૦ ડોલરના સ્તરે હોય તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓના EBITDA માં મોટા પરિવર્તન આવી શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે EBITDA માં -૪૦૦ ટકા સુધીના ઘટાડાથી માંડીને રીફાઈનરીઓ માટે ૧૦-૧૫ ગણા ઉછાળાની શક્યતા છે. ભારતમાં બે તૃતિયાંશ એલએનજી આયાત હોર્મુઝ ખાડીના માર્ગે થાય છે અને તેના કારણે પેટ્રોલ-ડીઝલ કરતાં વધારે અસર ગેસ પર પડવાની શક્યતા છે.




