
LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો ર્નિણય દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી કરાઇ સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર ૨૪ કલાકની અંદર મંજૂરી આપવામાં આવે
દેશમાં વધી રહેલી એલપીજી સિલિન્ડરની માગ અને સપ્લાય પરના દબાણને જાેતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર ૨૪ કલાકની અંદર મંજૂરી આપવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને સિલિન્ડરના બદલે પાઇપલાઇન ગેસ તરફ વાળવાનો છે, જેથી ઘરેલુ ગેસ પરનું ભારણ ઓછું કરી શકાય.કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે પાઇપલાઇન સાથે જાેડાયેલા તમામ જૂના પેન્ડિંગ કેસોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ‘રોડ રેસ્ટોરેશન ચાર્જ‘ (રસ્તો ખોદ્યા બાદ રિપેરિંગનો ખર્ચ) માફ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, કામમાં કોઈ અવરોધ ન આવે તે માટે દરેક રાજ્યમાં એક નોડલ ઑફિસરની નિમણૂક કરવાના આદેશ અપાયા છે.
પેટ્રોલિયમ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે કે દેશમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે. પરંતુ LPG સપ્લાય પર થોડું દબાણ ચોક્કસ છે, પરંતુ ક્યાંય ડિસ્ટ્રીબ્યુટર પાસે ગેસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો હોય તેવી સ્થિતિ નથી. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે ગભરાઈને ઍડ્વાન્સ બુકિંગ ન કરે અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન બુકિંગનો જ આગ્રહ રાખે.ગેસની કાળાબજારી રોકવા માટે સરકાર કડક હાથે કામ લઈ રહી છે. અત્યાર સુધીમાં દેશભરમાં ૧૨,૦૦૦ જેટલા દરોડા પાડીને આશરે ૧૫,૦૦૦ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ દરોડા દરમિયાન ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કોમર્શિયલ ગેસના સપ્લાયને જાળવી રાખવા માટે અને LPG પર ર્નિભરતા ઘટાડવા માટે સરકાર હવે કેરોસીન અને કોલસા જેવા વિકલ્પો પર ભાર મૂકી રહી છે. ગુજરાત, બિહાર, છત્તીસગઢ અને કર્ણાટક સહિતના રાજ્યોએ વધારાના કેરોસીન ફાળવણી માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક ઉચ્ચ સ્તરીય સમિતિ સતત આ આખી સપ્લાય ચેઇનનું નિરીક્ષણ કરી રહી છે.




