
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો.જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર ર્નિભર નથી.અદાલતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી.સુપ્રીમ કોર્ટે જમીન સંપાદનના કેસમાં ખેડૂતો અને જમીન માલિકોના હિતમાં મહત્વનો ર્નિણય સંભળાવતા સ્પષ્ટ કહ્યું છે કે, વળતરની બંધારણીય ગેરંટી સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં.
અદાલતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે, વળતર અને વ્યાજની રકમ કેટલી મોટી છે અથવા તેનાથી કેટલો નાણાકીય બોજ પડશે તેના આધારે ન્યાયના સિદ્ધાંતો બદલાઈ શકે નહીં.
આ સમગ્ર વિવાદ એનએચએઆઈ દ્વારા ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આપવામાં આવેલા એક ચુકાદાના પુન:વિચાર માટે હતો. વર્ષ ૨૦૧૯ના એક ર્નિણય મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે જમીન સંપાદિત કરવામાં આવી છે તેના પર ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ મુજબ ૯ ટકા વ્યાજ આપવાનું નક્કી થયું હતું. એનએચએઆઈ આ વ્યાજ દરને તેમના પોતાના કાયદા મુજબ ૫ ટકા સુધી મર્યાદિત રાખવા માંગતું હતું. સત્તાધિકારીએ દલીલ કરી હતી કે, આ ર્નિણયથી તેમના પર ૨૯,૦૦૦ કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે જે અગાઉ માત્ર ૧૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો. જાેકે મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે, માત્ર આર્થિક બોજ એ ચુકાદાની સમીક્ષા કરવાનો માન્ય આધાર નથી.
અદાલતે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ હેઠળ જેમની જમીન લેવામાં આવી છે તે તમામ માલિકો વળતર અને વ્યાજ મેળવવાના હકદાર છે કારણ કે તે યોગ્ય વળતરનો જ એક ભાગ છે. જાેકે આ ર્નિણયનો અમલ કરતી વખતે કોર્ટે મર્યાદા પણ નક્કી કરી છે. જે કેસમાં વળતરના દાવાઓ આખરી રીતે પતી ગયા છે તેને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ન્યાયતંત્રએ જમીન માલિકોના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાની નિશ્ચિતતા વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂક્યો છે. કોર્ટે અગાઉ ૨૩ ફેબ્રુઆરીએ પણ નિર્દેશ આપ્યો હતો કે, માર્ચ ૨૦૧૮ પહેલાના જે કિસ્સાઓનો નિકાલ થઈ ચૂક્યો છે તેવા દાવાઓને ફરીથી ધ્યાને લેવામાં આવશે નહીં. આમ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે વળતરના બાકી રહેલા કિસ્સાઓમાં જ આ વ્યાજ દરનો લાભ મળી શકશે.





