હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો જવાબ વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી હેડે પરિવાર પર થયેલી ઓનલાઇન ટ્રોલિંગ સામે પીડા વ્યક્ત કરી અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા અપીલ કરી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચ બાદ ભારે ચર્ચામાં રહેલા વિવાદ પર આખરે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે મૌન તોડ્યું છે. વિરાટ કોહલી સાથેના કથિત અણબનાવ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેના પરિવારને નિશાનો બનાવીને કરવામાં આવેલી દર્દનાક ટ્રોલિંગ પર હેડે પહેલીવાર ખુલ્લેઆમ પોતાનો આક્રોશ અને પીડા વ્યક્ત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલી સાથે તેના કોઈ ખરાબ સંબંધો નથી અને મીડિયા તેમજ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો માત્ર અફવા છે.
IPL 2026 ની સીઝન દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી મેચ બાદ એક વીડિયો વાયરલ થયો હતો. મેચ સમાપ્ત થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે કેમેરામાં કેદ થયું હતું કે વિરાટ કોહલી ટ્રેવિસ હેડની સામે જાેયા વગર તેની બાજુમાંથી પસાર થઈ ગયો હતો અને હેડ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયાના કીબોર્ડ વોરિયર્સ સક્રિય થઈ ગયા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે બંને દિગ્ગજાે વચ્ચે મેદાન પર થયેલી સ્લેજિંગના કારણે સંબંધોમાં ભારે ખટાસ આવી ગઈ છે.
આ વિવાદના મહિનાઓ બાદ એક ઇન્ટરવ્યુમાં વાતચીત કરતી વખતે ટ્રેવિસ હેડે તમામ અટકળોને સખત શબ્દોમાં નકારી કાઢી છે. હેડે જણાવ્યું, “મને નથી લાગતું કે અમારે કોઈ પેચ-અપ કરવાની જરૂર છે. અમારા વચ્ચે કોઈ વિવાદ કે અણબનાવ જેવી વાત જ નથી. ટૂર્નામેન્ટ જે રીતે આગળ વધી, તે રીતે જ બધું સામાન્ય રહ્યું હતું. આમાં કોઈ આશ્ચર્ય પામવા જેવી ઘટના નહોતી. વિરાટ અને મારા સંબંધો એકદમ સામાન્ય છે.”હેડના આ નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાહિયાત ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
મેદાન પરની હરીફાઈને એક પ્રોફેશનલ ખેલાડી તરીકે હેડ સામાન્ય ગણાવે છે, પરંતુ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર તેની પત્ની અને પરિવારને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા તેનાથી તે ખૂબ જ દુખી થયો છે. આ વિવાદ બાદ કથિત ક્રિકેટ ફેન્સે ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઈને અત્યંત આપત્તિજનક અને અભદ્ર કમેન્ટ્સ કરી હતી. પોતાની પીડા વ્યક્ત કરતા હેડે જણાવ્યું કે, “હું અને જેસિકા પ્રોફેશનલ સ્પોર્ટ્સની દુનિયાને સારી રીતે સમજીએ છીએ અને અમારી પાસે એક યોગ્ય પરિપ્રેક્ષ્ય છે. અમે જાણીએ છીએ કે આ તે જ દુનિયાનો એક હિસ્સો છે જેમાં આપણે જીવીએ છીએ. પરંતુ અસલી મુશ્કેલી ત્યારે થઈ જ્યારે નફરત ફેલાવતી આ બાબતો પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચવા લાગી, જેઓ આવી નકારાત્મકતા જાેવા કે સહન કરવા માટે બિલકુલ ટેવાયેલા નથી.”





