
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે જે રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર પોલીસ દ્વારા ઠાકોર સહિત પછાત સમાજના લોકો ઉપર અન્યાય કરવામાં આવી રહ્યો છે અને બર્બતા પૂર્વક બેરહેમીથી મારપીટ કરવામાં આવી રહી છે તેમજ ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, તે ચિંતાજનક બાબત છે. તેમણે જણાવ્યું કે બગદાણા, આણંદ અને તાજેતરમાં રાજકોટની ઘટનાઓ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજકોટમાં સુરેશભાઈ નામના ઠાકોર સમાજના પત્રકાર યુવાનને બેરહેમીથી પોલીસ સ્ટેશનમાં લાવીને ઢોરમાર મારવામાં આવ્યો. સુરેશભાઈનો ગુનો માત્ર એટલો હતો કે તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવતા હતા. રાજકોટના એક મોટા બિલ્ડર દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે મુકાયેલા બિલ્ડિંગ મટિરિયલનો વિડિયો બનાવી સુરેશભાઈએ વાયરલ કર્યો હતો. રાજુભાઈ સોલંકીના જણાવ્યા મુજબ, આ મામલે ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા સુરેશભાઈને દબોચી લોકઅપમાં લઈ જઈ ગંભીર રીતે મારપીટ કરવામાં આવી. તેમણે આક્ષેપ કર્યો કે જે પ્રકારની હિંસા ગંભીર ગુનેગારો સામે પણ ન થાય તે રીતે આ યુવાન સાથે વર્તન કરવામાં આવ્યું. તેમણે આ પણ જણાવ્યું કે યુવાન સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું, જેમાં તેના ગુપ્તાંગમાં પેટ્રોલ નાખવામાં આવ્યું અને ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવ્યો, જે માનવતાની હદ વટાવતું કૃત્ય છે.
રાજુભાઈ સોલંકીએ આ સમગ્ર મામલે જણાવ્યું કે આ ઘટના પાછળ કોનો ઇશારો છે તે તપાસનો વિષય છે. તેમણે જણાવ્યું કે ચર્ચાઓ મુજબ આ મામલે બિલ્ડર અને હર્ષ સંઘવી અથવા અન્ય પ્રભાવશાળી લોકોની સંડોવણી હોવાની શક્યતા છે, જેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે જણાવ્યું કે તેમણે પીડિત સુરેશભાઈની મુલાકાત લીધી હતી, જેમાં સુરેશભાઈએ પોતે અસુરક્ષિત હોવાની અને અજાણ્યા લોકો દ્વારા સતત ધમકીઓ અને ટોર્ચર આપવામાં આવતું હોવાની વાત કરી હતી. રાજુભાઈ સોલંકીએ રાજકોટના પોલીસ કમિશ્નરને અપીલ કરી કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. પીડિત યુવાન અને તેના પરિવારને ન્યાય મળે અને જવાબદાર ડીસીપી જગદીશ બાંગરવા તથા અન્ય સંડોવાયેલા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, તેમજ તેમને નોકરીમાંથી દૂર કરવામાં આવે. તેમણે ચેતવણી આપી કે જો આગામી બે દિવસમાં યોગ્ય પગલાં નહીં લેવાય, તો તારીખ 30ના રોજ સમગ્ર ગુજરાતમાં પોલીસ સમાજ, વિવિધ સંગઠનો અને યુવાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ રાજકોટ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવશે અને દોષિતો સામે એફઆઈઆર નોંધવાની માંગ સાથે ઉગ્ર આંદોલન કરશે.





