જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMS પેપર લીક બાબતે જામનગર ખાતે આમ આદમી પાર્ટીની છાત્ર વિંગ ASAP ના વિદ્યાર્થી નેતાઓએ અને આગેવાનોએ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં ઉગ્ર રજૂઆત કરી હતી અને જો આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પાઠવી હતી. AAP છાત્ર વિંગ ASAP આગેવાને જણાવ્યું હતું કે, તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીકની ઘટનાને લઈને દેશ અને ગુજરાતના લાખો યુવાનોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું અને ભાજપ સરકારે ભવિષ્યમાં સિસ્ટમ સુધારવા તથા કડક કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. હજુ તો આ વાત લોકોના મગજમાંથી નીકળી નથી, ત્યાં જ ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક થઈ ગયું છે. આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું અને તેના પ્રશ્નો પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા. સમગ્ર દેશમાં જો કોઈ રાજ્યમાં સૌથી વધુ પેપર ફૂટવાની ઘટનાઓ બનતી હોય તો તે ગુજરાતમાં બને છે.
નીટ (NEET) પેપર લીક મામલે દિલ્હીમાં ભેગા થઈને યુવાનોએ આંદોલન કરીને સરકારને ઝુકાવી હતી, તો પછી ગુજરાતના યુવાનો લોકશાહી ઢબે એવું આંદોલન કેમ ન કરી શકે? ગુજરાતમાં લગભગ દરેક ભરતી પરીક્ષાના પેપર ફૂટ્યા છે, છતાં સરકારમાં કોઈ ગંભીરતા દેખાતી નથી. આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર ફૂટવું એ વાતની સાબિતી છે કે સરકારની વાતો માત્ર આંદોલનને શાંત કરવા પૂરતી જ હતી અને તેમની પાસે કૌભાંડીઓ સામે કોઈ કડક પગલાં લેવાનો મજબૂત ઈરાદો નથી. જો ગુજરાતના યુવાનો પોતાની ભવિષ્યની કારકિર્દી બચાવવા માંગતા હોય તો તેમણે જાગવું પડશે, અવાજ ઉઠાવવો પડશે અને દિલ્હીના જંતર-મંતરની જેમ જ ગાંધીચિંધ્યા માર્ગે એક થઈને પોતાની તાકાત બતાવવી પડશે.





