વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકીય ગરમાવો ટી.જી. મોહનદાસના નિવેદનની RSS એ કરી નિંદા વિવાદાસ્પદ ભાષણ બાદ તપાસ શરૂ; રાજકીય અને સામાજિક વર્તુળોમાં નિવેદનને લઈને ઉગ્ર પ્રતિક્રિયાઓ દિલ્હીમાં પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ટી.જી. મોહનદાસ ભારે વિવાદમાં સપડાયા છે. તેમના નિવેદનને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ સખત શબ્દોમાં નિંદા વ્યક્ત કરી છે, જ્યારે કેરળ સરકારે સમગ્ર મામલે પોલીસ તપાસના આદેશ આપ્યા છે. નિવેદન સામે રાજકીય પક્ષો, વિદ્યાર્થી સંગઠનો અને વિવિધ સામાજિક સંસ્થાઓએ પણ કડક વિરોધ નોંધાવ્યો છે.
મળતી માહિતી મુજબ, ટી.જી. મોહનદાસે પોતાના યુટ્યુબ વિડિયોમાં દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જાે તેમની પાસે સત્તા હોત તો તેઓ પ્રદર્શનકારીઓ સામે ગોળીબાર કરાવત અને કેટલાક લોકોના મોત બાદ સ્થિતિ સામાન્ય થઈ જાત. ઉપરાંત, પ્રદર્શનમાં સામેલ મહિલાઓ અંગે પણ તેમણે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ નિવેદન બાદRSS ના દક્ષિણ કેરળ પ્રાંતના સહ-કાર્યવાહ કે.બી. શ્રીકુમારે સ્પષ્ટતા કરી છે કે ટી.જી. મોહનદાસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ તેમના વ્યક્તિગત વિચારો છે અને તેનો સંઘ સાથે કોઈ સંબંધ નથી. તેમણે જણાવ્યું કે RSS કોઈપણ પ્રકારની હિંસાત્મક અથવા અશોભનીય ભાષાનું સમર્થન કરતું નથી અને આવા નિવેદનોની નિંદા કરે છે.
મોહનદાસ અગાઉ ભાજપના ઇન્ટેલેક્ચ્યુઅલ સેલના રાજ્ય કન્વીનર તેમજ ભારતીય વિચાર કેન્દ્ર સાથે સંકળાયેલા રહ્યા હોવાનું જણાવાય છે. જાેકે, હાલ તેઓ RSS માં કોઈ સત્તાવાર હોદ્દો ધરાવતા નથી, તેવી સ્પષ્ટતા પણ સંઘ તરફથી કરવામાં આવી છે.
બીજી તરફ, કેરળ સરકારે આ નિવેદનને ગંભીરતાથી લઈ પોલીસ તપાસના આદેશ આપ્યા છે.
ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન દ્વારા કેરળના સ્ટેટ પોલીસ ચીફ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે કાયદાકીય કાર્યવાહી અને નિવેદનના તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવશે.
આ ઘટનાને લઈને વિવિધ રાજકીય પક્ષો, વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આવા નિવેદનોને લોકશાહી મૂલ્યો વિરુદ્ધ ગણાવી જવાબદારો સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.





