
હીરા કારીગરોને મળી મોટી રાહત નવસારીથી સુરત ડાયમંડ બુર્સ સુધી બસ સેવા શરુ કરાઇ રોજિંદા અપડાઉન કરતા લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની ગઈ છે દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો રત્ન કલાકારો અને વેપારીઓ માટે એક મોટી ખુશખબર સામે આવી છે. નવસારી એસટી ડેપોથી સુરત ડાયમંડ બુર્સ સુધી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેનાથી રોજિંદા અપડાઉન કરતા લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની ગઈ છે.
સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થયા પછી નવસારી, વલસાડ અને આસપાસના વિસ્તારોમાંથી અનેક રત્ન કલાકારો રોજ કામ માટે સુરત જતા હતા. પરંતુ યોગ્ય અને સમયસર પરિવહન સુવિધાના અભાવે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ક્યારેક ટ્રેન અથવા ખાનગી વાહનો પર ર્નિભર રહેવું પડતું, જેના કારણે સમય અને ખર્ચ બંને વધતા હતા. હવે ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરાયેલી આ નવી બસ સેવા તેમના માટે આશીર્વાદ સમાન બની છે.
આ નવી બસ સેવા ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. બસ દરરોજ સવારે ૮:૩૦ કલાકે નવસારી એસટી ડેપોથી રવાના થશે અને અંદાજે ૯:૩૦ કલાકે સીધી ડાયમંડ બુર્સ ખાતે પહોંચશે. એટલે કે માત્ર એક કલાકમાં લોકો પોતાના કાર્યસ્થળે પહોંચી શકશે. સાંજે આ બસ સુરત ડાયમંડ બુર્સ પરથી ૧૯:૦૦ કલાકે પરત ફરશે, જેનાથી કામદારો સમયસર પોતાના ઘરે પરત આવી શકે છે.
નવસારી ડેપોના મેનેજર કલ્પેશ ગાંધીએ જણાવ્યું હતું કે અગાઉથી જ આ યોજના અંગે જાહેરાત કરવામાં આવી હતી અને હવે તે સફળતાપૂર્વક અમલમાં આવી છે. આ સેવા નાના-મોટા તમામ વેપારીઓ, હીરા કટિંગ-પોલિશિંગ સાથે જાેડાયેલા કારીગરો અને અન્ય ઉદ્યોગોમાં કામ કરતા લોકો માટે ખૂબ લાભદાયક સાબિત થશે.
આ બસ સેવા શરૂ થતા જ રત્ન કલાકારોમાં ખુશીની લાગણી જાેવા મળી રહી છે. હવે તેઓ સમયસર કામ પર પહોંચી શકાશે, મુસાફરીનો તણાવ ઓછો થશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ સાંજે સમયસર ઘરે આવીને પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકશે, જે તેમની જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવશે. આ રીતે ગુજરાત એસટી નિગમની આ પહેલ માત્ર એક પરિવહન સેવા નથી, પરંતુ હજારો પરિવારો માટે સુખ અને સહેલાઈનો માર્ગ બની રહી છે.





