
ઊર્જા તથા ખાતરના ક્ષેત્રમાં પણ સહકાર આપવાની બાંયધરી આપી ભારતને વધુ ક્રુડ ઓઇલ અને ગેસ આપવાની રશિયાની ઓફર
૨૦૨૫ના અંત સુધીમાં રશિયાએ ભારતમાં ભારે માંગ ધરાવતા ખનિજ ખાતરનો પુરવઠો ૪૦% સુધી વધાર્યાે છે રશિયાએ ભારતને વધુ ક્રુડ ઓઇલ અને કુદરતી ગેસ પુરવઠો પૂરો પાડવાની ઓફર કરી હતી. રશિયાના નાયબ વડાપ્રધાન ડેનિસ માંતુરોવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને ઊર્જા તથા ખાતર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર વધારવાના માર્ગાે પર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમણે માંતુરોવ સાથે વેપાર, ખાતર, કનેક્ટિવિટી અને લોકો વચ્ચેના સંબંધોમાં પરસ્પર લાભદાયી સહકાર અંગે ચર્ચા કરી હતી. મોદીએ બંને દેશો દ્વારા ગત ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની નવી દિલ્હી મુલાકાત દરમિયાન યોજાયેલા ભારત-રશિયા સમિટના પરિણામોને અમલમાં મૂકવા માટે કરવામાં આવેલા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
જયશંકરે માંતુરોવ સાથેની મુલાકાત પછી જણાવ્યું કે બંને પક્ષોએ વેપાર, ઉદ્યોગ, ઊર્જા, ખાતર, કનેક્ટિવિટી અને ગતિશીલતા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ટેકનોલોજી, નવીનતા અને મહત્વપૂર્ણ ખનિજાે ક્ષેત્રોમાં નવા અવસરો પણ શોધવામાં આવ્યા છે. માંતુરોવ અને જયશંકરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર પણ ચર્ચા કરી હતી.રશિયન દૂતાવાસે જણાવ્યું કે માંતુરોવે પુષ્ટિ કરી કે રશિયન કંપનીઓ પાસે ભારતીય બજારમાં તેલ અને કુદરતી ગેસનો પુરવઠો સતત વધારવાની ક્ષમતા છે. માંતુરોવે જણાવ્યું કે ૨૦૨૫ના અંત સુધીમાં રશિયાએ ભારતમાં ભારે માંગ ધરાવતા ખનિજ ખાતરનો પુરવઠો ૪૦% સુધી વધાર્યાે છે અને આ ઉત્પાદન માટે ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર છે. બંને દેશો મળીને કાર્બામાઇડ ઉત્પાદન માટે સંયુક્ત પ્રોજેક્ટ પણ વિકસાવી રહ્યા છે. ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હવાઇ હુમલાઓથી શરૂ થયેલા સંઘર્ષને કારણે હોર્મુઝની ખાડી બંધ થવાથી ભારત ઊર્જા અને ખાતર પુરવઠામાં વિક્ષેપનો સામનો કરી રહ્યું છે. માંતુરોવની ભારતીય નેતાઓ સાથેની મુલાકાત દરમિયાન તેલ અને ગેસ ક્ષેત્રમાં સહકારને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.





