વિદર્ભના યશ ઠાકુર પણ એક વિકલ્પ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા બુમરાહ થયો બહાર જમ્મુ-કાશ્મીરનો ફાસ્ટ બોલર આકિબ નબી આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યો છે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજાના કારણે શ્રીલંકાની બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યો છે. બુમરાહના ઘૂંટણનો સોજાે શરૂઆતમાં જેટલો સામાન્ય લાગી રહ્યો હતો તેનાથી ઘણો ગંભીર છે. એવામાં બેંગલુરુમાં આવેલા સેન્ટર ઓફ એક્સિલેન્સની મેડિકલ ટીમ આ અનુભવી ફાસ્ટ બોલર સાથે કોઈપણ પ્રકારની ઉતાવળ કરવા માગતી નથી અને તેને મેદાનમાં ઉતારવાના પક્ષમાં નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે, તેની જગ્યા ટીમ ઇન્ડિયામાં કોણ લેશે. આ રેસમાં જમ્મુ કાશ્મીરનો પેસર આકિબ જ સૌથી આગળ છે, જેણે ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શ્રીલંકા સામે સિરીઝની શરૂઆત ૧૫ ઓગસ્ટના રોજ ગોલમાં થશે. ઇંગ્લેન્ડ સામે બુમરાહ લોર્ડ્સમાં રમાયેલી ત્રણ વનડે મેચમાં ઇજા થયા પછી રમી શક્યો નહોતો. તે હાલમાં જ બેંગલુરુમાં આવેલા સેન્ટર ઓફ એક્સીલેન્સ પહોંચ્યો હતો અને આશા હતી કે બે અઠવાડિયા પછી રમાનાર સિરીઝ સુધીમાં તે મેચ માટે સ્વસ્થ થઈ જશે. જાે કે, બુમરાહ હજુ પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જાે તે ૧૫ ઓગસ્ટ કે ૨૩ ઓગસ્ટે શરૂ થનાર બીજી ટેસ્ટ પહેલા ફિટ થઈ જાય તો પણ મેડિકલ ટીમ ધીમી પિચ પર બોલિંગનો વધુ પડતો બોજ તેના પર નાખવાના પક્ષમાં નથી.
જસપ્રિત બુમરાહ સંપૂર્ણપણે ફિટ ન હોવાથી હવે તેમની જગ્યાએ સિલેક્ટર્સ કોને તક આપે છે તે જાેવું રસપ્રદ રહેશે. વિદર્ભના યશ ઠાકુર પણ એક વિકલ્પ છે, પરંતુ જમ્મુ-કાશ્મીરનો ફાસ્ટ બોલર આકિબ નબી આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યો છે. આકિબ નબી હજુ સુધી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં પોતાની ઘાતક ફાસ્ટ બોલિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.
૨૯ વર્ષીય આકિબ નબી જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાનો રહેવાસી છે. તેમણે ૨૦૨૫-૨૬ની રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લઈને પોતાની ટીમને પ્રથમ વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અત્યાર સુધી તેમણે ૪૩ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં ૧૬૨ વિકેટ ઝડપી છે.
તાજેતરમાં આકિબ નબી ઈન્ડિયા એ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો. ગોલમાં શ્રીલંકા એ સામે રમાયેલી બે ફર્સ્ટ-ક્લાસ મેચોની ચાર ઇનિંગ્સમાં તેણે ૬ વિકેટ લીધી હતી. પહેલી મેચની પ્રથમ ઇનિંગ્સમાં તેણે ૫૮ રનમાં ૪ વિકેટ લઈને પોતાની પ્રતિભાનો શાનદાર પરિચય આપ્યો હતો. જૂન ૨૦૨૬માં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ માટે આકિબ નબીની ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત પસંદગી થવાની આશા હતી, પરંતુ સિલેક્ટર્સે તેને તક આપી નહોતી.
આ ર્નિણયની ભારે ટીકા થઈ હતી, કારણ કે આકિબ સતત બે રણજી સીઝનમાં ૫૦થી વધુ વિકેટ લેનારા બોલરોમાં સામેલ રહ્યો છે. હવે જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત હોવાથી શ્રીલંકા પ્રવાસ માટે આકિબ નબીને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળવાની શક્યતા સૌથી વધુ માનવામાં આવી રહી છે. આકિબ નબીએ ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ-એ અને ટી૨૦ ક્રિકેટમાં મળીને અત્યાર સુધી કુલ ૨૬૧ વિકેટ ઝડપી છે.





