
સોશિયલ મીડિયા પર અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે કે પુરુષ સ્ત્રી કરતાં મહાન છે! પણ એમની સંવેદનાને કોઈ સમજતું નથી! બધાં સ્ત્રી, કે મા જ મહાન છે, એવી વાતો કરે છે! હકીકતમાં પુરુષ પોતાની લાગણી કે વિચારોને એટલી હદે પ્રસ્તુત કરી શકતો નથી! અથવા તો કરતો નથી! અને એટલે એને અન્યાય થાય છે! પણ કોઈ એક મહાન અને બીજું ઉતરતું એવું શું કામ? મારી રીતે તો સ્ત્રી અને પુરુષ બંને ગૃહસ્થીની ગાડીની સમાંતરે ચાલતાં છેડાઓ છે, અને એટલે જીવનની ગાડી ગમે તે મોડ પર વળાંક લે, તો બંને છેડાએ વળાંક લેવો પડે! અને જો એક છેડો વળાંક લેવાનો ઈન્કાર કરે તો જીવન અસંતુલિત થાય છે! એટલે બંનેનું મહત્વ એકદમ સરખું જ છે! અને એટલે જ બંને એકબીજાના પૂરક છે, અને બંનેનાં સ્વાભિમાનને ઠેસ પહોંચે નહીં, એમ જીવવું જોઈએ, તો જ ગૃહસ્થીની ગાડી પાટા પર ચાલે! પણ એવું થતું નથી, અને કોઈને કોઈ પક્ષે ખટરાગ વધે. સમયનો એવો દોર ચાલે છે કે ગૃહસ્થીમાં મોટેભાગે અત્યારે બંને જણા વર્કિંગ હોય! અને બંનેની આવકથી ઘર ચાલતું હોય, એટલે સ્વાભાવિક જ જવાબદારીનાં પણ ભાગ પડે! અને એ બાબત હવે પુરુષ સ્વીકારતો થયો છે, એને ઘરનાં કામ કરવામાં સંકોચ નથી થતો! પણ જો માતાપિતા સાથે રહેતાં હોય તો જૂનાં જમાનાની રુઢિ મુજબ પુરુષનાં માતાપિતાને પોતાનાં દિકરાને કામ કરતો જોઇ તકલીફ થાય, કે પછી અણગમો આવે! અને આમાંથી ખટરાગ ઉભો થાય, અને પછી દિકરો ઘર છોડવાની કે બીજે સેટ થવાની વાત કરે! તો આવો જ એક કિસ્સો.
મેહુલ ભાઈ અને મીરા બેન બંને બહું સામાન્ય સ્થિતિના હતાં, અને છતાં પોતાનાં દિકરા મલ્હારને આઈઆઈએમ માંથી એમબીએ સુધી ભણાવ્યો! ખૂબ ઉંચા પેકેજથી નોકરી પણ મળી, મમ્મી પપ્પા હવે તમારે કોઈ કામ કરવાનું નથી, તમે બહુ ભોગ આપ્યો છે, હવે જીંદગીને માણો! એમ કરી બંન્નેને ફરવાં મોકલ્યાં પછી ચાર ધામની યાત્રા કરાવી! સુંદર મજાનું ઘર લીધું! ગાડી પણ લીધી!; અને ઉંમર થતાં લાડી માટે પણ માંગા આવવા લાગ્યાં, પણ જ્ઞાતિની સારી સારી યુવતીઓને મલ્હાર નાપસંદ કરતો હતો. એક દિવસ મલ્હારે મમ્મી પપ્પાને પોતાનાં દિલની વાત કરી કે એને એક મોક્ષા નામની યુવતી પસંદ છે, અને એ પણ એની જેટલું જ ભણી છે, અને પોતાની સાથે જ જોબ કરે છે, પણ એની કાસ્ટ જુદી છે! ઉછેર ગુજરાતમાં જ છે, પણ છે પંજાબી, એ ગુજરાતી નથી! માતાપિતા એ કહ્યું કે બેટા વિધર્મી! મોક્ષા નોન વેજીટેરિયન હશે તો! એણે કહ્યું મમ્મી આમ જ પ્રાંતવાદ જન્મે છે! એ છે તો ભારતીય જ છે! અને મમ્મી પપ્પા એવો પ્રશ્ન નહીં થાય એણે મને પ્રોમિસ કર્યું છે! કે આપણાં વૈશ્નવી પરંપરા નું ધ્યાન રાખશે, તો ઠીક! આટલાં એજ્યુકેટેડ દિકરાનાં માતાપિતા ઓર્થોડોક્સ થોડાં હોય અને દિકરાને હોંશે હોંશે હા પાડી, અને ધામધૂમથી લગ્ન પણ કર્યાં.
લગ્ન એ એક એવું કમિટમેન્ટ છે, જે બંને પક્ષે નિભાવવાનું હોય અને આ વાત મલ્હાર સારી રીતે જાણતો હતો! બંને જણાને સાથે જ ઓફિસ જવાનું, અને ઓફિસમાં પણ સરખી જ જવાબદારી નિભાવવાની હોય, આવે ત્યારે બંને થાકી જાય! સાવ સામાન્ય સ્થિતિના મીરાં બહેને કામવાળી બાઈ ક્યારેય રાખી જ નહોતી! અને એ સમય પણ એવો હતો, એટલે પોતાને જ ઘરકામ કરવું પડે છે, એવી કોઈ ફરિયાદ પણ નહોતી! શરું શરું માં મીરાં બહેન દિકરા વહું માટે હોંશેહોંશે ચા નાસ્તો બનાવતાં, ટિફિન પણ ભરી આપતા, પણ ઉંમર સહજ હવે એટલું કામ થતું નહોતું, એટલે સહેજ અપેક્ષા ખરી કે વહું પણ થોડું ઘરકામ કરે! દિકરાને વાત કરી કે હવે થતું નથી, એટલે પહેલાં કામવાળી આવી, પછી રસોઈ વાળી! આમ જુવો તો મીરાં બહેને રાજી થવું જોઈએ કે દિકરો આજ્ઞાકારી છે, અને મમ્મીની તકલીફ સમજી તરત ઉપાય શોધી કાઢ્યો! અને એવું નહોતું કે મોક્ષાને રસોઈ વગેરે કામ ગમતું નહોતું! રજાઓમાં એ રસોડું સંભાળતી અને મલ્હાર પણ એને મદદ કરતો, મોક્ષા અવનવી વાનગીઓ બનાવતી અને બધા ભેગા બેસીને જમતાં હતાં. બાઈ આવે નહીં તો ઘરની સફાઈ કરવી કે પછી વાસણ કપડાં ધોવા આ બધું જ એ પણ કરતો! મીરાં બહેન પોતાનાં પતિ મેહુલ ભાઈને કહેતાં બે અઢી લાખનો પગારદાર આમ વાસણ ઘસે એ મને બિલકુલ ગમતું નથી! મેહુલ ભાઈ કહેતાં કે મોક્ષા પણ એટલું જ કમાય છે! અને એ પણ તો ઘરકામ કરે જ છે ને!
આમ જ લગ્નને બે વર્ષ થયાં હવે મોક્ષાનાં ઘરનાં પણ આવવાં લાગ્યા હતાં, અને મોક્ષાનાં રિલેટિવ માટે વૈશ્નવનાં ઘરમાં સિગરેટ, દારુ, અને નોન વેજ આવવાં લાગ્યું! હજી મોક્ષાએ પ્રોમિસ તોડ્યું નહોતું! પરંતુ મેહુલ ભાઈ અને મીરા બહેન માટે આ બધું સહનશક્તિની બહારનું હતું! એમણે સ્પષ્ટ કહી દીધું કે આવું ઘરમાં નહીં ચાલે! મલ્હાર એક સંસ્કારી યુવાન હતો, એટલે એ આ બધાંથી દૂર રહ્યો હતો, પણ કોઈની બર્થ ડે હોય, કે સક્સેસ પાર્ટી હોય,પણ પાર્ટી કલ્ચરમાં આવું બધું હવે કોમન હતું! પણ પોતાના ઘરે પ્રતિબંધ હતો, એટલે એનિવર્સરી હોય, કે બર્થ ડે હોય મિત્રોને પાર્ટી એ બહાર જ આપી દેતો, અને સમયની માંગ મુજબ આવું બધું કરવું પડે એવું સ્વીકારતો પણ હતો. મોક્ષા એ કલ્ચરમાં ઉછરી હતી એટલે એની માટે આ બધું કંઈ ખરાબ નહોતું! એમનાં ઘરમાં તો બધાં ભેગાં બેસીને વ્હીસ્કી કે વોડકા પીતાં હતાં! અને માંસ ઈંડા જેવું નોન વેજ તો પંજાબીની શાન કહેવાય! હા એ વાત જુદી છે કે પોતાને આ બધું નાનપણથી જ પસંદ નહોતું, એટલે એણે ક્યારેય આવું ખાધું પીધું નહોતું! હવે તો તમે બંને ખોટું બોલવા લાગ્યા છો, અને તમારે બેયને એવી પાર્ટીમાં જઉં જ શું કામ જોઈએ? ધીરેધીરે તમને પણ પાર્ટીનો રંગ લાગી જ જશે! અને આમ આવાં નાનાં મોટાં કારણોસર હવે ઘરમાં કાયમ ઝઘડા થતાં હતાં! સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી! જે દિકરો માતા પિતાને આદર્શ માનતો હતો એ હવે એમને ઓર્થોડોક્સ માનવા લાગ્યો!; અને રોકટોક થાય ત્યારે કહેતો મમ્મી થોડું વધુ પડતું થાય છે! અને આવું તો થશે જ! પોષાય તો રહો! એવું પણ ગુસ્સામાં બોલી જતો! બસ વાત પૂરી થઈ ગઈ, ઘર તો દિકરાએ એનાં રુપિયાથી લીધું હતું, પોતાની મૂડી તો દિકરા મલ્હારને ભણાવવામાં વપરાય ગયા હતાં, પણ ગામનું નાનકડું ઘર હજી હતું, એટલે એક દિવસ બંને ઓફિસ ગયા ત્યારે ચિઠ્ઠી મુકીને બંને એ ઘર છોડી દીધું! એક દિવસ ખરાબ લાગ્યું, બે દિવસ, અને પછી જે થયું તે સારું થયું! અમેં ક્યાં કાઢી મુક્યાં છે પોતાની મરજીથી ગયા! તો આ છે ખટરાગનું અંતિમ સ્વરૂપ અને એને કારણે આજે લગ્ન સંસ્થા ખોરવાય છે!
મિત્રો ગુજરાતીઓ વિવિધતાનાં શોખીન છે, અને એટલે જ અન્ય પ્રાંતની સંસ્કૃતિ એટલે કે વેશભૂષા કે વાનગીઓ કે પછી તહેવાર બધું જ હોંશેહોંશે અપનાવે છે, અને આધુનિકતાનો નશો એટલો વધી ગયો છે કે આમ આંતર જ્ઞાતિ લગ્ન કરે છે, અને આપણે ત્યાં બે કહેવત છે કે, બાર ગાવ એ બોલી બદલાય,! અને બીજી અન્ન એવો ઓડકાર! એમ કોઈને કોઈ કારણે સંબંધોમાં ખટાશ આવે છે, એટલે કે ખટરાગ..
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)





