
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમા કોંગ્રેસના વોર્ડ નં.૧૨ ના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ઉમેદવારી ફોર્મમા અધૂરી વિગત હોવાના કારણે ચૂંટણી અધિકારીએ રદ કરેલ છે. ભૂપેન્દ્ર પટેલ વાલ્મીકિ સમાજના ઉમેદવારતરીકે કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી કરેલ. તેઓ અગાઉ બે વાર ચૂંટણી લડી ચૂકયા છે. કમનસીબે કોંગ્રેસના ઉમેદવાર તરીકે બંનેવાર તેઓ ચૂંટણી હારી ગયેલ. હાલના વોર્ડમા કોંગ્રેસના મતદારોની વધુ સંખ્યા હોવાના કારણે તેઓના જીતવાના ચાન્સ સારા હતા. વોર્ડ નં.૧૨મા નાણાવટ, સૈયદપુરા, કુબેરનગર, મહિધરપુરા વિસ્તારમા લઘુમતી અને અનુસુચિત જાતિના સારી સંખ્યામા મતદાર છે. ભૂપેન્દ્ર પટેલ ને આ મતદારની સંખ્યા ને લક્ષમા લઈ ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે પસંદગી કરી હતી.
દરેક ઉમેદવારને ચાર ઉમેદવારી ફોર્મ ભરવા માટે આપવામાં આવે છે. ઉમેદવાર પોતે અને તેના પોતાના ડમી ઉમેદવાર તરીકે પોતાના સપોર્ટમા ઉમેદવાર ઊભો રાખે છે. અને જ્યારે કોઈ કારણસર ફોર્મ રદ થાય તેવા સંજોગોમા તેનો ડમી ઉમેદવાર આપો આપ ઉમેદવાર બની જાય છે. કોંગ્રેસ પક્ષે ભૂપેન્દ્ર પટેલના ડમી ઉમેદવાર ઊભો નહીં રાખવા પાછળ શંકા પ્રેરે છે. જે વ્યક્તિ ત્રીજીવાર ચૂંટણીમાં ઉમેદવારી કરતાં હોય તે ઉમેદવાર પક્ષનું નામ લખવાનું કઈ રીતે ભૂલી જાય? કોંગ્રેસ પક્ષના ચૂંટણી સંચાલન સંભાળતા આગેવાનો પણ ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થતાં તેઓની કાર્યશૈલીપણ શંકાના દાયરામા આવી જાય છે. ભૂપેન્દ્ર પટેલ નું ફોર્મ રદ થતાં પક્ષના આગેવાનોની નિષ્ફળતા પુરવાર થાય છે.
વાલ્મીકિ સમાજના કોંગ્રેસ પક્ષના માત્ર એક ઉમેદવારનું ફોર્મ રદ થતાં સમાજમા તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડયુ છે. ભાજપ ના એક મહિલા ઉમેદવાર જેઓના ફોર્મમા નામ, અટકમા ફેરફાર હોવા છતાં તે ભાજપની મહિલા ઉમેદવારનું ફોર્મ બીજા ઉમેદવારોએ વાંધો લેવા છતાં મંજૂર કરી દેવામાં આવેલ છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલના ફોર્મમા ટેકનિકલ ખામી હોવા છતાં તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક કાર્યકરોના જણાવ્યા મુજબ ભાજપ સાથેની સીધી સાઠ-ગાંઠમા ફોર્મ રદ થયું છે. જ્યારે કોંગ્રેસ પક્ષના મેન્ડેટ સાથે ફોર્મ ભરવામાં આવ્યું હોય ત્યારે પાર્ટીના નામે વાંધો કાઢી ફોર્મ રદ કરવું બીજા પક્ષની તરફેણ કરવા બરાબર છે. ભૂપેન્દ્ર પટેલની ઉમેદવારી રદ થતાં અન્ય પાર્ટીના ઉમેદવારો પર અસર પડશે એમ ચર્ચાઈ રહ્યું છે.
આ બનાવથી એટલું સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસમાં જ રહેલા કેટલાક ફૂટેલી કારતૂસ જેવાઓએ આડકતરી રીતે ભાજપની તરફેણ કરીને પોતાનો ઉલ્લુ સીધો કરી લીધો છે એ નિર્વિવાદ છે.





