
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતના સુરતની સમૃધ્ધતાથી આકર્ષાઈ સુરત આવેલા પરપ્રાંતીય શ્રમિકો હવે એકાએક કેમ ગુજરાતનું આ
સમૃધ્ધ શહેર છોડી વતનની વાટ પકડી રહ્યા છે? સુરત હોય કે અમદાવાદ હોય ત્યાંથી યુપી, બિહાર કે અન્ય રાજયોમાં
જતી ટ્રેનો હાઉસફુલ જ હોય છે. પરંતુ સુરતમાં આ વખતે સ્થિતિ જુદી જ છે. અહીં વેકેશન માણવા નહીં પરંતુ મંદી,
બેકારી અને મોંઘવારીનો માર ઝીલી રહેલા હજારો પરપ્રાંતીયો બેકારીને કારણે પોતાના માદરે વતન પરત જઈ રહ્યા છે.
કારણકે જે આશાઓ અને સપનાઓ સાથે તેઓ સુરત, અમદાવાદ, મોરબી કે ગુજરાતમાં અન્યત્ર કામની
શોધમાં આવ્યા હતા ત્યાં કામ હવે મળતું નથી. સંખ્યાબંધ કારખાનાઓ બંધ થઈ ગયા છે. ટેક્ષટાઇલ્સથી માંડીને
સિરામિક ઉદ્યોગો પણ મંદીમાં છે. અને એમાંય વળી અમેરિકા-ઈઝરાયેલે ઈરાન પર લાદેલા યુધ્ધથી દેશમાં ઉદ્યોગો
વેપાર ધંધાની હાલત કફોડી થઈ ગઈ છે. ગેસની અછતથી માંડીને બધી જ વસ્તુઓ મોંઘીદાટ થઈ ગઈ છે અને
મોંઘવારી તેમજ અછત સતત વધી રહી છે. આયાત-નિકાસને પણ ગંભીર ફટકો પડયો છે. ટૂંકમાં દેશનું અર્થતંત્ર
ગંભીર રીતે હાલક ડોલક થઈ ગયું છે. અખાતી યુધ્ધનો કેવો અને ક્યારે અંત આવશે એ અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે
છે.
જ્યાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા વિકસિત રાષ્ટ્રો પણ ફાંફે ચઢી ગયા છે ત્યારે ભારત જેવા જંગી વસ્તી
અને સમસ્યાઓ ધરાવતા દેશની હાલતનો અંદાજો આવી જ જાય છે. વળી દેશના શાસકો પાસે યુધ્ધના કારણે આવી
પડેલી આફતના સામના માટે ખાસ કરીને આર્થિક મોરચે કોઈ “રોડ મેપ” હોય એવું લાગતું નથી. પ્રજાને જાણે કે “રામ
ભરોસે” જ છોડી દેવાઈ હોય એવો અહેસાસ થઈ રહ્યો છે.
ટૂંકમાં ગુજરાત અંગે જે અતિશ્યોક્તિપૂર્ણ આભામંડળ રચાયું એના પરપોટા હવે ફૂટવા લાગ્યા હોય એમ
પરપ્રાંતીય શ્રમિકો ગુજરાતમાંથી પલાયન કરવા લાગ્યા છે. કારણકે અહી તેમને કામ મળી રહ્યું નથી. વાસ્તવિકતા
સૌની સામે આવી રહી છે અને એટલે જ હજારો પરપ્રાંતીય લોકો એકી સાથે ગુજરાત છોડીને જઈ રહયા છે.
આની વાસ્તવિકતાનો ખ્યાલ એના પરથી આવી જાય છે. જ્યારે સુરતના રેલવે સ્ટેશને સર્જાયેલી અંધાધૂંધી
અને પરત જઈ રહેલા પરપ્રાંતીયો ને સુવિધાઓને બદલે પોલીસની લાઠીઓ મળી ત્યારે એક વ્યથિત શ્રમિકે પોતાનો
આર્તનાદ વ્યકત કરતાં જણાવ્યુ હતું કે “બહુત હો ગયા દોસ્ત, અબ દોબારા કભી નહીં આઉંગા”??





