
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ.કંઈ શક્ય નથી જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન અંગે અલ્ટીમેટમ.કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ૧૦૦ ટકા કામ કરી શકવાના નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રયાસો જ છોડી દેવાય.સાબરમતી નદીના વધતા પ્રદૂષણ મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે જીપીસીબી (GPCB) અને સીપીસીબી(CPCB)ને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે, નદી શુદ્ધિકરણ મામલે તમારા સોગંદનામામાં જે નથિંગ ઈઝ પોસિબલ (કંઈ પણ શક્ય નથી) જેવા વાક્યો લખ્યા છે તેને તાત્કાલિક હટાવી દો. કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ૧૦૦ ટકા કામ કરી શકવાના નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રયાસો જ છોડી દેવાય. હાઈકોર્ટે જણાવ્યું હતું કે નદીના પ્રદૂષણને લઈને વર્તમાન સ્થિતિ બિલકુલ સારી નથી. જાે ઔદ્યોગિક એકમો, જીપીસીબી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી સીઈટીપી (CETP) આ તમામ સંસ્થાઓ એક જ લક્ષ્ય સાથે કામ કરશે, તો જ સ્થિતિમાં સુધારો આવવો શક્ય છે.
સુનાવણી દરમિયાન જીપીસીબીએ સ્વીકાર્યું હતું કે શહેરના એક પણ સીઈટીપી હાલમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરી રહ્યા નથી. આ બાબતે કોર્ટે આકરું વલણ અપનાવતા કહ્યું કે, જાે જીપીસીબીની આ વાત ખોટી હોય તો તેને સોગંદનામા પર સાબિત કરવી પડશે. કોર્ટ કોઈ પણ પક્ષની મૌખિક દલીલોને ગ્રાહ્ય રાખશે નહીં.
જીપીસીબીની રજૂઆત મુજબ સીઈટીપીની જવાબદારી કોર્ટે નક્કી કરી હોવા છતાં ખાનગી સીઈટીપી નિયમોનું પાલન કરતા નથી. પાલન અંગે સંપૂર્ણ પાલન, આંશિક પાલન અને પાલન નહીં કરનાર એમ ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે. હાલમાં ૭ સીઈટીપી પૈકી ૨ સીઈટીપી એવા છે જે આંશિક પાલન પણ કરી રહ્યા નથી.
હાઈકોર્ટે સ્પષ્ટ અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે જાે સીઈટીપી દ્વારા નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો તેમની સામે અત્યંત આકરાં પગલાં લેવામાં આવશે. કોર્ટે હવે આ કેસની વધુ સુનાવણી ૧૯ જૂન પર મુલતવી રાખી છે. ત્યાં સુધીમાં તમામ સંબંધિત પક્ષોએ નિયમ પાલન અંગેની સ્પષ્ટતા અને કામગીરીનો અહેવાલ રજૂ કરવો પડશે.





