
ઈરાન માટે “કરો કે મરો” જેવી સ્થિતિ.ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું.નિકાસ ન થતા ઓઇલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી.વિશ્વના સૌથી મોટા ઓઇલ ઉત્પાદક દેશોમાંના એક ઈરાન માટે અત્યારે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વધતા તણાવ અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાનનું ઓઇલ નિકાસ થઈ રહ્યું નથી. પરિણામે, ઓઇલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી.
ઈરાનનું ૯૦%થી વધુ ઓઇલ ઉત્પાદન અને નિકાસ ખાર્ગ આઇલૅન્ડ પરથી થાય છે. અહીં ૩૦ મિલિયન બેરલ ઓઇલ સંગ્રહ કરવાની ક્ષમતા છે, પરંતુ અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જે રીતે નાકાબંધી કરી છે, તેનાથી ઈરાનનો નિકાસ માર્ગ રૂંધાઈ ગયો છે. ઓઇલનો સંગ્રહ કરવા માટે જગ્યા ખૂટી પડતાં ઈરાને હવે તેના ૩૦ વર્ષ જૂના વિશાળ ટેન્કર નાશાને ફરીથી સક્રિય કર્યું છે. આ જહાજ વર્ષોથી ખાલી અને નકામું પડ્યું હતું. હવે તેનો ઉપયોગ ફ્લોટિંગ સ્ટોરેજ તરીકે કરવામાં આવશે. આ પગલું દર્શાવે છે કે ઈરાનની ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે કેટલી હદે દબાણ હેઠળ છે.
મેરીટાઇમ એનાલિસ્ટ્સના મતે સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈરાન પાસે હવે માત્ર ૧૩ મિલિયન બેરલ ઓઇલ સંગ્રહવાની જગ્યા બાકી છે. રોજનું ૧૦થી ૧૧ લાખ બેરલ ઓઇલ સતત આવી રહ્યું છે. જાે આ જ ગતિ ચાલુ રહી, તો આગામી ૧૨થી ૧૩ દિવસમાં ઈરાનના તમામ સ્ટોરેજ ટેન્ક ફૂલ થઈ જશે.
ઘણાને પ્રશ્ન થાય કે જાે સ્ટોરેજ નથી તો ઉત્પાદન કેમ બંધ નથી કરાતું? તેની પાછળ એક મોટું ટેકનિકલ કારણ છે કે જાે ઓઇલના કૂવાઓ અચાનક બંધ કરવામાં આવે, તો તેને કાયમી નુકસાન થઈ શકે છે. ઈરાનના ઓઇલના કૂવાઓને ચાલુ રાખવા માટે સતત ઓપરેશન જરૂરી છે. જાે તે બંધ થાય તો ભવિષ્યમાં ત્યાંથી ઓઇલ કાઢવું અશક્ય બની શકે છે. જાે સ્ટોરેજ ક્ષમતા પૂરી થઈ જાય તો ઈરાન પાસે બે જ રસ્તા બચશે. એક તો ઓઇલનું ઉત્પાદન ઘટાડવું, જે આર્થિક રીતે દેશને તોડી નાખશે. બીજું કે કૂવાઓ બંધ કરીને લાંબાગાળાનું જાેખમ લેવું. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે પણ ચેતવણી આપી છે કે ઈરાન તેની મર્યાદાના અંતિમ છેડે છે. સેટેલાઇટ ઈમેજરી મુજબ ખાર્ગ આઇલૅન્ડ પર ટેન્કરો લોડ તો થઈ રહ્યા છે, પણ નાકાબંધીને કારણે તે આગળ વધી શકતા નથી. ઈરાન અત્યારે નાશા જેવા જૂના જહાજાે દ્વારા સમય ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ જાે અમેરિકાની નાકાબંધી હળવી નહીં થાય, તો ઈરાનનું અર્થતંત્ર ઓઇલના આ ભાર નીચે જ દબાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.





