
એરિઝોનાના સાંસદે રજૂ કરેલાં એચ-૧બી વિઝા એબ્યુઝ બિલને અન્ય સાત સાંસદોનું સમર્થન H1B વિઝા પ્રોગ્રામ ત્રણ વર્ષ સુધી અટકાવી દેવા અમેરિકન સંસદમાં બિલ રજૂ કરાયું એચ-૧બી વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ અમેરિકન ટેન્કોલોજી કંપનીઓ દ્વારા કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી માટે કરવામાં આવે છે. સસ્તાં વિદેશી શ્રમિકો, અમેરિકન યુવાનોની રોજગારી પર તરાપ મારતા હોવાનો આક્ષેપ મુકતા રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ ભારતીય પ્રોફેશ્નલ્સમાં સૌથી લોકપ્રિય એવા એચ-૧બી વિઝા પ્રોગ્રામને ત્રણ વર્ષ માટે અટકાવી દેવાની માગ કરી છે. આ બિલમાં સૂચવાયેલાં મોટાભાગના સુધારા ભારતીય પ્રોફેશ્નલ્સ માટે ફટકા સમાન છે. એરિઝોનાના સાંસદ એલી ક્રેને ‘એન્ડ એચ-૧બી વિઝા એબ્યુઝ એક્ટ ઓફ ૨૦૨૬’ રજૂ કર્યું છે, જેને અન્ય સાત રિપબ્લિકન સાંસદોએ સમર્થન આપ્યું હતું. આ બિલમાં એચ-૧બી પ્રોગ્રામમાં વિવિધ સુધારા કરવાની દરખાસ્ત કરાઈ છે. જેમાં વાર્ષિક એચ-૧બી વિઝાની સંખ્યા વર્તમાન ૬૫,૦૦૦થી ઘટાડીને ૨૫,૦૦૦ કરવાની તથા વાર્ષિક ન્યૂનતમ વેતન બે લાખ ડોલર કરવા ઉપરાંત એચ-૧બી વિઝાધારકોને તેમના આશ્રિતોને અમેરિકામાં લાવવા પર પ્રતિબંધ મુકવાની માગ કરાઈ છે.ઉલ્લેખનીય છે કે, એચ-૧બી વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ અમેરિકન ટેન્કોલોજી કંપનીઓ દ્વારા કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી માટે કરવામાં આવે છે. એચ-૧બી વિઝાનો સૌથી વધુ લાભ ટેન્કોલોજી અને ફિઝિશયન્સ સહિતના ભારતીય પ્રોફેશ્નલ્સને થાય છે. બિલમાં પ્રસ્તાવિત અન્ય સુધારાઓમાં પ્રવર્તમાન લોટરી આધારીત સિસ્ટમને બદલે વેતન આધારીત સિલેક્શન સિસ્ટમ લાગુ કરવાની, અમેરિકામાં યોગ્ય કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ નહીં મળતાં હોવાનું તથા તેઓ કોઈની છટણી નહીં કરે તેવું કંપની દ્વારા જાહેર કરવાની, એચ-૧બી વિઝાધારકે એકથી વધુ નોકરી નહીં કરવાની તથા થર્ડ-પાર્ટી એજન્સીઓ દ્વારા તેમને નોકરી પર રાખવા પર પ્રતિબંધ મુકવાનો સમાવેશ થાય છે. બિલમાં સંઘીય એજન્સીઓને નોન-ઈમિગ્રન્ટ શ્રમિકોને સ્પોન્સર કરવા કે તેમને નોકરી પર રાખવા પર પ્રતિબંધ મુકવાની, ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) બંધ કરવાની તથા નોનઈમિગ્રન્ટ વિઝા કામચલાઉ બની રહે તે માટે એચ-૧બી વિઝાધારકને કાયમી નાગરિકત્વ (પરમેનન્ટ રેસિડેન્સી)ના મળે તે સુનિશ્ચિત કરવા પણ તેમાં માગ કરાઈ છે. એટલું જ નહીં પરંતુ નોનઈમિગ્રન્ટ્સ તેના સ્ટેટસને અન્ય નોનઈમિગ્રન્ટસ સ્ટેટસમાં બદલે તે પહેલાં જ તેમના દેશનિકાલની પણ બિલમાં માગ કરાઈ છે. સાંસદ ક્રેને જણાવ્યું હતું કે, સરકારે મહેનત કરતાં નાગરિકોના હિતમાં કામ કરવું જાેઈએ, નહીં કે મોટી કંપનીઓના નફા માટે. જાે કંપનીઓ અમેરિકન નાગરિકોને નોકરી પર રાખી શકતી હોય તો તેમણે તેમ કરવું જ જાેઈએ. તેમાં કોઈ બહાના કે છીંડા ના હોવા જાેઈએ. અન્ય એક સાંસદ પૌલ ગોસરે આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે, અમેરિકન શ્રમિકોને સ્થાને સસ્તાં વિદેશી શ્રમિકોની ભરતી કરવા માટે એચ-૧બી પ્રોગ્રામને હાઈજેક કરી લેવાયો છે.





