
ભાવનગર જિલ્લાના પક્ષકારો ૩૧મે સુધીમાં ગૂગલ ફોર્મ ભરી નોંધણી કરાવી શકશે સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે ૨૧ થી ૨૩ ઓગસ્ટ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલત યોજાશે, રૃબરૃ અથવા વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાઈ શકાશે ભાવનગર જિલ્લા સહિત દેશભરના પક્ષકારોના સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા પેન્ડિંગ કેસોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટના પરિસરમાં વિશેષ લોક અદાલતનું આયોજન કરાયું છે.સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક, સરળ અને લોકાભિમુખ બનાવવા સમાધાન સમારો-૨૦૨૬ (વિશેષ લોક અદાલત)નું આયોજન કરાયું છે. જેની શરૃઆત ૨૧ એપ્રિલથી થઈ છે અને સમાપન તા.૨૧-૮થી તા.૨૩-૮ સુધી સુપ્રીમ કોર્ટના પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત સાથે થશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે સહમતી દ્વારા લાંબા સમયથી ચાલતા વિવાદોનો ઝડપી અંત લાવી ન્યાય સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રક્રિયામાં પક્ષકારોને સર્વાેચ્ચ અદાલતમાં રૃબરૃ તેમજ ઓનલાઈન પ્લેટફોર્મ (વર્ચ્યુઅલ માધ્યમ)થી જાેડાઈ કેસનું સમાધાન કરવાની સુવિધા અપાશે. ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુપ્રીમમાં પેન્ડિંગ કેસ ધરાવતા પક્ષકારોને આ અભિયાનમાં જાેડાવવા પ્રિ-લોક અદાલત કન્સિલિએશન બેઠકનું આયોજન કરાશે. વિશેષ લોક અદાલતમાં ભાગ લેવા ઈચ્છુક પક્ષકારો અથવા તેમના વકીલોએ તા.૩૧-૫ સુધીમાં નિયત ગૂગલ ફોર્મ ભરી પોતાની નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી અથવા તકનિકી સહાય માટે સુપ્રીમ કોર્ટના હેલ્પલાઈન નંબર તેમજ ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.





