
અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો અમેરિકાએ એક ઈરાની જહાજને કબજે કર્યું હતું, જેમાં અંદાજે એક ડઝન જેટલા પાકિસ્તાનીઓ સવાર હતા
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે હોર્મુઝ જળમાર્ગમાં ગોળીબાર થયો છે અને બંને એકબીજા પર યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન બંને વચ્ચે મધ્યસ્થી બનેલા પાકિસ્તાનની ચિંતાઓ વધી ગઈ છે.
અમેરિકાએ તાજેતરમાં જ એક ઈરાની જહાજને કબજે કર્યું હતું, જેમાં અંદાજે એક ડઝન જેટલા પાકિસ્તાનીઓ સવાર હતા. આમ અમેરિકાએ મધ્યસ્થી કરાવવા ધમપછાળા કરી રહેલા પાકિસ્તાનને પણ છોડ્યું નથી અને હવે પોતાના લોકોને છોડાવવા માટે પાકિસ્તાન અમેરિકાના ઘૂંટણીએ પડી ગયું છે.
જપ્ત કરાયેલ જહાજ હાલમાં સિંગાપોરના દરિયાઈ વિસ્તાર પાસે ઊભું છે, જેમાં ૧૧ પાકિસ્તાની અને ૨૦ ઈરાની ક્રૂ મેમ્બર સવાર હતા. પાકિસ્તાને પોતાના અને ઈરાની નાગરિકોને છોડાવવામાં મદદ કરવા માટે સિંગાપોર પાસે મદદ માંગી છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે, તેમણે સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલક્રિષ્નન સાથે વાત કરી અને અમેરિકા દ્વારા જપ્ત કરાયેલા જહાજ પર સવાર ૧૧ પાકિસ્તાની અને ૨૦ ઈરાની નાવિકોને છોડાવવામાં મદદ કરવાની વિનંતી કરી છે.
ડારે કહ્યું કે, આ બાબતે તેમણે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે પણ વાતચીત કરી છે. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે, ‘પાકિસ્તાન ઈરાની નાગરિકોને પાકિસ્તાન માર્ગે સુરક્ષિત રીતે ઈરાન પરત મોકલવામાં મદદ કરવા માટે પણ તૈયાર છે. અમે સિંગાપોરની મદદની અને સમર્થનની પ્રશંસા કરીએ છીએ. પાકિસ્તાનનું વિદેશ કાર્યાલય અને અમને મદદ કરવાની ખાતરી આપનારાઓ અમેરિકી અધિકારીઓ સહિત અન્ય પક્ષો સાથે સતત સંપર્કમાં છે જેથી અમારા નાગરિકોની સુરક્ષા, સુખાકારી અને વહેલી તકે વાપસી સુનિશ્ચિત કરી શકાય.’
૮ એપ્રિલથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અમલમાં હતો. જાેકે હવે બંને દેશો ફરી સામસામે આવી ગયા છે. ગુરુવારે સાંજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકી નૌસેનાના ત્રણ વિનાશક યુદ્ધજહાજ જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું છે કે, ‘ત્રણ વિશ્વસ્તરીય અમેરિકી ડિસ્ટ્રોયર હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા, જાેકે તેમના પર ફાયરિંગ થયું હતું. અમારા જહાજાેને કોઈ નુકસાન થયું નથી, પરંતુ ઈરાની હુમલાખોરોને ભારે નુકસાન થયું છે.‘





