
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
દેશભરમાં આજે પત્રકારોએ સાચુ લખવું હોય તો ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે અને એના અનેક દાખલાઓ મૌજૂદ છે. જેમાં સત્યને પંથે ચાલનારા પત્રકારોએ મોતને પણ વહાલું કરવું પડયુ હોય ત્યારે પંજાબના ભટિંડા શહેરમાં મંગળવારે પત્રકારો, ખેડૂત પ્રતિનિધિઓ અને નાગરિક અધિકાર કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP)ની કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. “પ્રેસ દી આઝાદી બહાલ કરો સંઘર્ષ સમિતિ” દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં સહભાગીઓએ માનવ સાંકળ રચીને રાજ્યમાં પ્રેસની સ્વતંત્રતા પર થઈ રહેલા હુમલાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
દેખાવકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં આક્ષેપ કર્યો હતો કે સત્તાધીશો ધ્વારા વ્યવસ્થિત રીતે સ્વતંત્ર પત્રકારત્વને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ વિવાદના કેન્દ્રમાં પત્રકાર મનિન્દરજીત સિંહ સિધ્ધુનું સોશિયલ મીડિયા પેજ બંધ કરી દેવાની ઘટના છે. આરોપ છે કે સિધ્ધુએ ભટિંડા ના જેઓંદ ગામના વિવાદાસ્પદ મુદ્દાઓ પર રિપોર્ટિંગ કર્યા બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. અંતે સભામાં ચેતવણી આપવામાં આવી હતી કે પત્રકારોને ડરાવવા અને તેમના કામમાં દાખલગીરી કરવી એ વાણી સ્વતંત્રતા ના બંધારણીય અધિકારનું સીધું ઉલ્લંઘન છે.
સમિતિએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો બ્લોક કરાયેલા પેજ પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે અને પત્રકારો સામેના “ખોટા કેસ” પાછા ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આંદોલન તેજ કરવામાં આવશે.





