
આમ આદમી પાર્ટીને ૯૫૮ સીટો મળી પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા પંજાબમાં ભાજપે ૧૭૨ સીટો પર જીત મેળવી છે, ભાજપની આ જીત વર્ષ ૨૦૨૧ કરતા વધુ મોટી છે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપની નજર આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. તે પહેલા પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ખેલ કર્યો છે. આ વખતે ચૂંટણીમાં જ્યાં આમ આદમી પાર્ટીને ૯૫૮ સીટો મળી છે, તો ભાજપે ૧૭૨ સીટો પર જીત મેળવી છે. ભાજપની આ જીત વર્ષ ૨૦૨૧ કરતા વધુ મોટી છે.
પંજાબમાં ૧૯૭૭ વોર્ડ પર ચૂંટણી પરિણામની જાહેરાત થઈ ગઈ છે. તેમાં આમ આદમી પાર્ટીએ ૯૫૮ સીટો પર જીત હાસિલ કરી છે. તો કોંગ્રેસ ૩૯૭ સીટો જીતી બીજી મોટી પાર્ટી બની છે. શિરોમણિ અકાલી દળે ૧૭૮ સીટો પર જીત મેળવી છે. આ સિવાય ભાજપને ૧૭૨ સીટો પર જીત મળી છે. અપક્ષ ઉમેદવારાના ખાતામાં ૨૫૧ સીટો ગઈ છે.
જાે આપણે ૨૦૨૧ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો તે સમયે કોંગ્રેસને ૧૪૩૨ સીટો પર જીત મળી હતી. આ સિવાય શિરોમણિ અકાલી દળને ૨૮૪ સીટો મળી હતી. આ સિવાય આમ આદમી પાર્ટીને ૬૯ અને ભાજપને ૫૯ બેઠકો મળી હતી, જ્યારે ૩૬૪ સીટો પર અપક્ષ ઉમેદવારોએ બાજી મારી હતી.
જ્યારે ૨૦૧૫ની ચૂંટણીમાં શિરોમણિ અકાલી દળને ૧૦૬૦ સીટો મળી હતી અને ભાજપને ૩૬૦ બેઠકો મળી હતી. આ સિવાય કોંગ્રેસને ૩૫૬ સીટો પર સફળતા મળી હતી અને ૪૦૦થી વધુ અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. તે સમયે શિરોમણિ અકાલી દળ અને ભાજપનું મજબૂત ગઠબંધન હતું. પરંતુ બાદમાં આ ગઠબંધન તૂટી ગયું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાનદાર જીત બાદ સીએમ ભગવંત માને કહ્યુ કે પંજાબની જનતાએ ફરી સરકારના કામો પર પોતાની મહોર લગાવી છે. વિધાનસભા, લોકસભા, પંચાયતી ચૂંટણી અને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે, અમારા ઉમેદવારોએ ૯૦ ટકાથી વધુ મ્યુનિસિપલ કાઉન્સિલ જીતી છે. વિપક્ષી પાર્ટીઓ (કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપ) ના કુલ વોટને ભેગા કરો તો આપના લેવલ સુધી પહોંચતા નથી. ભાજપ પાંચમાં નંબરે છે, આ જીત લોકોને મળી રહેલી ફ્રી વીજળી, આમ આદમી ક્લીનિક, સારી શાળા અને પારદર્શિ નોકરીઓની જીત છે. જીતનારા બધા ઉમેદવારો અને પાર્ટી કાર્યકર્તાને શુભેચ્છા, હવે કોઈ ભેદભાવ થશે નહીં. દરેક શહેર, ગામડામાં એક સમાન વિકાસ થશે, અમે પોઝિટિવ અને વિકાસ પર આધારિત રાજનીતિ કરીએ છીએ.





