
બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા ર્નિણય બંગાળની સ્કૂલોમાં વંદે માતરમ ગાવું પણ ફરજિયાત બંગાળ શિક્ષણ વિભાગે ૧૩ મેના રોજ જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે, આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરાયો છે પશ્ચિમ બંગાળની વર્તમાન સરકારે રાજ્યની શૈક્ષણિક પ્રણાલીમાં દેશભક્તિના રંગો પૂરવા માટે એક મહત્ત્વનો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સવારની પ્રાર્થના સભામાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત કરી દીધું છે.
બંગાળ શિક્ષણ વિભાગે ૧૩ મેના રોજ જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે, આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરાયો છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, આગામી સોમવારથી રાજ્યની તમામ સ્કૂલોમાં આ ફેરફાર જાેવા મળશે. આ આદેશમાં સ્પષ્ટતા કરાઈ છે કે, બંગાળની તમામ સ્કૂલમાં સવારની પ્રાર્થનામાં આ નિયમનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેનું વીડિયો રેકોર્ડિંગ રાખવું પડશે. શિક્ષણ વિભાગના અધિકારીઓ ગમે ત્યારે સ્કૂલની મુલાકાત લઈને આ અંગે તપાસ કરી શકે છે. જાે કોઈ સ્કૂલ આ નિયમનું ઉલ્લંઘન કરતી હશે, તો તેની સામે કડક વહીવટી પગલાં લેવાશે.
બંગાળની સ્કૂલોમાં અત્યાર સુધી મુખ્યત્વે રાષ્ટ્રગીત જન ગણ મન ગવાતું હતું. અગાઉની સરકારના સમયમાં ‘બાંગલાર માટી બાંગલાર જલ (બંગાળની માટી, બંગાળનું જળ)ને પણ રાજ્ય ગીત તરીકે મહત્ત્વ અપાયું હતું. બંગાળની ધરતી પર જ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા જેની રચના કરાઈ હતી એ વંદે માતરમને હવે સત્તાવાર રીતે પ્રાર્થનામાં સ્થાન મળ્યું છે.
આ ર્નિણયને સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય પુનરુત્થાન તરીકે જાેવામાં આવી રહ્યો છે.
આ નવા આદેશ બાદ શિક્ષણ જગતમાં મિશ્ર પ્રતિસાદ જાેવા મળી રહ્યો છે. કેટલીક સ્કૂલોએ આ ર્નિણયને આવકાર્યો છે. બીજી તરફ, કેટલાક શિક્ષક સંગઠનો અને ડાબેરી વિચારધારા ધરાવતા પ્રતિનિધિઓએ વ્યવહારુ મુશ્કેલીઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સવારની સભાનો સમય મર્યાદિત હોય છે, જેમાં રાષ્ટ્રગીત, રાજ્ય ગીત અને હવે વંદે માતરમ આ બધું કયા ક્રમમાં અને કેવી રીતે પૂર્ણ થશે તે અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે.
પશ્ચિમ બંગાળ સરકારનો આ ર્નિણય રાજ્યમાં રાષ્ટ્રીય ભાવનાને પ્રબળ બનાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે. વંદે માતરમ માત્ર એક ગીત નથી, પણ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક મજબૂત નારો રહ્યો છે. હવે જ્યારે તે સ્કૂલોના અભ્યાસક્રમ અને દૈનિક પ્રવૃત્તિનો હિસ્સો બનશે, ત્યારે નવી પેઢીને પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જાેડાવાની તક મળશે.





