
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
અમેરિકા-ઈરાન યુધ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતમાં થયેલા વધારાની અસર આખરે ભારત પર વાર્તાવા માંડી છે. અને શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા ૩ નો વધારો કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી PTI અનુસાર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વધારો થયો છે. વિરોધ પક્ષોએ પહેલેથી આશંકા વ્યકત કરી હતી કે પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ પૂર્ણ થતા જ મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરશે. જોકે તે સમયે સરકારે આ દાવાઓને નકારી કાઢયા હતા. ચૂંટણી પરિણામો ૦૪ મે ના રોજ જાહેર થયા હતા. આજે ૧૫ મે ના રોજ સરકારે આખરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ પગલાથી ફુગાવો વધવાની ધારણા છે. દિલ્હીમાં નવા દરો અનુસાર પેટ્રોલનો ભાવ રૂપિયા ૯૪.૭૭ થી વધીને રૂપિયા ૯૭.૭૭ પ્રતિ લિટર થયો છે. જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા ૮૭.૬૭ થી વધીને ૯૦.૬૭ રૂપિયા પ્રતિ લીટર થયો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂપિયા ૧૦૦ ની નજીક પહોંચી ગયા છે.
CNG ના ભાવમાં રૂપિયા ૨ નો વધારો
દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹૨ નો વધારો કરવામાં આવ્યો છે. CNG ના ભાવ હવે રૂપિયા ૭૭.૦૯ પ્રતિ કિલોગ્રામ થી વધીને રૂપિયા ૭૯.૦૯ પ્રતિ કિલોગ્રામ થયા છે. એક દિવસ પહેલા જ મુંબઈમાં CNG ના ભાવમાં પણ રૂપિયા ૨ નો વધારો કરવામાં આવ્યો હતો. પરિણામે મુંબઈ મેટ્રો પોલીટન રીઝન(MMR) માં CNG ના ભાવમ હવે રૂપિયા ૮૪ પ્રતિ કિલોગ્રામ થશે. સરકાર જણાવે છે કે, અત્યાર સુધી ભારતે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલના ભાવમાં વધારો અને મધ્ય પૂર્વમાં બગડતી પરિસ્થિતિ છતાં રિટેલ ઈંધણના ભાવમાં મોટો વધારો કરવાનું ટાળ્યું હતું. જો કે વધતા દબાણના પ્રતિભાવમાં આ પગલું હવે લેવામાં આવ્યું છે.





