
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ ધ્વારા સુરત મ્યુ.કમિશનરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુરત મહાનગરપાલિકાની અંદાજે ૯૯૦૦ જેટલી અત્યંત સંવેદનશીલ અને અગત્યની ફાઇલો ગૂમ થવા અંગેના સમાચારથી સમગ્ર તંત્ર અને નાગરિકોમાં ઘેરા આઘાતની લાગણી ફેલાઈ છે.આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાની ગરિમા અને પારદર્શક છબીને ગંભીર નુકસાન પહોંચાડયુ છે.આ સંદર્ભમાં નીચે મુજબની ગંભીર બાબતો આપના ધ્યાન પર લાવવા માંગીએ છીએઃ (૧)ગેરકાયદેસર દબાણ અને ફાઇલોની હેરફેર: ગત તા. ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રિના ૧૧ થી ૨ કલાક દરમ્યાન અધિકૃત મંજૂરી વગર અથવા કાયદાકીય પ્રક્રિયાના ઉલ્લંઘન સાથે કેટલાક અધિકારીઓ દ્વારા યુનિયન ઓફિસોના તાળા તોડી, ઓફિસનો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.જેમાંથી રોકડ રકમ તેમજ અગત્યની ફાઇલો ગૂમ થયેલ છે.જે બાબતે જુદા જુદા યુનિયનો દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે તા.૨૦/૧૧/૨૦૨૫ ના રોજ ફરિયાદ આપવામાં આવેલ હતી.અમને પ્રબળ આશંકા છે કે, યુનિયન ઓફિસ ખાલી કરાવવાની આ આડમાં, સુરત મહાનગરપાલિકાની અનેક અગત્યની ફાઇલો અને દસ્તાવેજો ગુમ કરવામાં આવ્યા છે અથવા તો તેને સગેવગે કરવામાં આવ્યા છે.
(૨) જવાબદારી અને સસ્પેન્શનની માંગ: આ ઘટના માત્ર બેદરકારી નથી, પરંતુ એક આયોજનબદ્ધ કાવતરું હોવાની શંકા છે. જયાં સુધી આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર ચાલુ રહેશે, ત્યાં સુધી તપાસને પ્રભાવિત થવાની અને પુરાવાઓનો નાશ થવાની પૂરેપૂરી શક્યતા છે. ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ માટે, જે તે સમયે આ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.(૩) કાયદાકીય કાર્યવાહી: ઓફિસના તાળા તોડવા અને સરકારી દસ્તાવેજોની સુરક્ષામાં ગંભીર ચૂક કરવા બદલ જવાબદારો વિરુદ્ધ કડક ખાતાકીય તપાસની સાથે પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવા પણ અમે ભારપૂર્વક માંગણી કરીએ છીએ. સુરત મહાનગરપાલિકાની પારદર્શિતા જાળવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક દાખલો બેસાડવો અનિવાર્ય છે.જેથી કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર આ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કાયદાકીય પગલાં લેવા વિનંતીતારીખ 19/11/2025 નારોજ સુરત મહાનગરપાલિકામાં જુદા જુદા ઝોન માંથી ગાડીઓ બોલાવી હતી આ ગાડીઓ યુનિયન ઓફિસો ના સામાન ખાલી કરી અન્યત્ર ખસેડવા માટે બોલાવી હતી પરંતુ યુનિયન ઓફિસો ના સામાન તો ઓફિસોની બહાર ફેંકી દીધા હતાં અને પાછળથી યુનિયનો સામાન લઈ જવા માટે પણ જાહેર નોટિસ આપવામાં આવેલ હતી તો પછી આ ટ્રેક મ્યુનિસિપલ ગાડીઓમાં શું લઇ જવામાં આવ્યું સુરત મહાનગરપાલિકાએ પોલીસ બોલાવી તો પોલીસ ને અંદર કેમ જવા ન દીધી એટલે આ યુનિયન ઓફિસો ખાલી કરાવવા ના બહાને ફાઇલો ગૂમ કરવામાં આવી છે ફાઇલો ગૂમ થવા પાછળ એક વ્યવસ્થિત પ્લાન કાવતરું છે અને તેની તપાસ થવી જોઈએ.સુરત મહાનગરપાલિકા નાની બાબતો માં તપાસ કમિટી નીમી ભીનું સંકેલતી હોય છે તો આ અંગે કેમ તપાસ કમિટી ની નિમણૂક કરી છે.આ બાબતે સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો અમોંને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને લોકશાહી ઢબે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.એમ એક અખબારી યાદીમાં સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ભાઈલાલભાઈ વૈષ્ણવ,ઉપપ્રમુખ કિરીટ વાઘેલા,મહામંત્રી મોહમ્મદ ઈકબાલ શેખ, મંત્રી હરીશ રાઠોડ તેમજ સર્વ શ્રી જયંતીભાઈ વાઘેલા, વિજય શેનમારે, શશીકાંત સોલંકી, દેવેન્દ્ર પ્રજાપતિ,અર્જુન વીરાસ વિગેરેએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.





