આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહે છે કે ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’. પણ હકીકત એ છે કે વ્યવસ્થામાં બેઠેલા તમામ લોકો, નેતાઓ અને સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. આજે પંચાયત રાજ સમિતિનો એક અહેવાલ આવ્યો છે, જેમાં કરોડો રૂપિયા બેફામ વપરાઈ ગયાનો કોઈ હિસાબ નથી. પંચાયત રાજ સમિતિએ જણાવ્યું કે વર્ષો પહેલાં જે બેફામ વપરાયેલા પૈસા છે, તે વસૂલ કરવા માટેના ઓર્ડર થયા હોવા છતાં એક પણ રૂપિયો પાછો વસૂલ થયો નથી. મતલબ કે આખી સિસ્ટમ જ લીક છે. તમામ ઓડિટ રિપોર્ટમાં ચોરી થઈ છે તે સાબિત થયું છે અને પૈસા ખોટા વપરાયા છે તેની સાબિતી પણ સરકારને સોંપવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આખી વ્યવસ્થામાં માત્ર એક જ નારો છે ’લૂંટો, જેટલું બને એટલું લૂંટો’. આ જ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી નીતિ છે. એટલા માટે જ આજે ગુજરાતની પંચાયતો, ગામડાંઓ કે ગુજરાતના તમામ વિસ્તારોમાં ચારેય તરફ ભ્રષ્ટાચાર જોવા મળે છે. ભ્રષ્ટાચારને લીધે રોડ-રસ્તા ખરાબ થઈ જાય છે, ટાંકીઓ, સળિયાં અને સિમેન્ટ ખવાઈ જાય છે, પણ કોઈ સામે કાર્યવાહી નહીં કે કોઈ ભ્રષ્ટાચારીને સજા નહીં! આ ભાજપની નીતિના કારણે આજે આપણી હાલત ખરાબ છે. હવે જાગવાનો સમય છે અને ભાજપની આ લૂંટનો હિસાબ માગવાનો સમય છે.




