
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત તારી ખરડાતી મૂરત એવું જ કંઈક બિલ્ડરો દ્વારા સુરતની મૂરતને કલંકિત કરાતી હોય એવું એટલા માટે લાગી રહ્યું છે કે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સહારા દરવાજા, કડોદરા ,સારોલી, ટેક્ષટાઇલ માર્કેટ,મગોબ, પુણા, પર્વત પાટિયા, લિંબાયત જેવા વિસ્તારોથી લઈને શહેરના ચારે ખૂણે અનેક બિલ્ડરો દ્વારા શરૂ કરાયેલા અનેક પ્રોજેકટો આજે લાંબાગાળાથી અધૂરા છોડી દેવાતા ધૂળ ખાઈ રહ્યા છે. અને એનો કોઈ ધણી ધોરી ના હોય એવી હાલતમાં છે અને એ ધૂળ ખાતા પ્રોજેક્ટોમાં વિવિધ વેપારીઓના ડાયરી કે કાચી ચિઠ્ઠી ઉપર બિલ્ડરોને એડવાન્સ પેટે રોકડ રકમ આપીને દુકાનો, ગોડાઉનો કે ફ્લેટો બુક કરાવ્યાના નાણાં ફસાઈને પડયા છે. જે નથી બિલ્ડરો દ્વારા પાછા અપાતા કે નથી વેપારીઓએ બુક કરાવેલી દુકાન, ગોડાઉન કે ફ્લેટ નો કબજો અપાતો.
આવા અનેક ધૂળ ખાતા પ્રોજેક્ટોમાં રોકાયેલા પોતાના નાણાં પાછા લેવા જતા વેપારીઓ સાથે રીતસર બિલ્ડરો ખુલ્લેઆમ દાદાગીરી કરી વટકે સાથ કહેતા હોય છે કે જો તમારે તમારી આપેલી રકમ પરત જોઈતી હોય તો એમાંથી 30% થી 40% કપાત કરી તમને રકમ પરત મળશે. બાકી તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. તમે પોલીસ પાસે જાઓ, કોર્ટમાં જાઓ કે પછી ગમે તેની પાસે જાઓ એવું બિલ્ડરોએ બેસાડેલા અસામાજિક તત્વો જેવા માણસો દ્વારા ખુલ્લેઆમ વેપારીઓને કહેવામાં આવે છે.
આમ બિલ્ડરો દ્વારા કરવતની માફક પ્રોજેકટોમાં બુકિંગ કરાવનારા વેપારીઓને વહેરી નાંખવામાં આવે છે. જેમ કરવત જતા અને આવતા પણ લાકડાને વહેરે છે એમ વેપારીઓએ દુકાનો, ગોડાઉનો કે ફ્લેટો માટે એડવાન્સ આપેલી રકમો લાંબાગાળા સુધી બિલ્ડર પાસે હોવા છતાં નથી બિલ્ડરો એનું વ્યાજ આપતા કે નથી મૂળ રકમ પૂરેપૂરી પરત આપતા ઉપરથી 30% થી 40% રકમ કાપીને પરત કરવાની વાતો કરી ગ્રાહકોને આર્થિક અને માનસિક નુકસાન સાથે ઘણીવાર શારીરિક નુકસાન પણ પહોંચાડતા હોય છે.
આવા બિલ્ડરો દ્વારા અનેક કાયદા, કાનૂનોનું ઉલ્લંઘન કરાતું હોય છે જેમાં રેરાનો અમલ નહીં કરવો, રજા ચિઠ્ઠી નહી હોવી, પ્લાન પાસ પણ ન થયા હોય અને પ્રોજેકટો ઊભા કરી અધુરા છોડીને વેપારીઓ પાસે એડવાન્સ નાણાં લઈ માત્ર ચિઠ્ઠી કે ડાયરીમાં વંચાય નહીં એવી સહી કરીને ચિઠ્ઠી કે ડાયરી બનાવવી વિગેરે વિગેરે કૃત્યો પણ જે ગેરકાનૂની જ કહેવાય એવા કૃત્યો બિલ્ડરો ધ્વારા કરાતા હોવાથી સુરત શહેરમાં આવા તો અનેક બિલ્ડરોનાં અધૂરા પ્રોજેકટો ઘણી ધોરી વગરનાં ધૂળ ખાતા પડી રહ્યા છે.
આવા બિલ્ડરો બાંધકામનો ધંધો કરતા હોય છે. અને એવા બિલ્ડરોને વેપારીઓએ કોઈ કાકા, બાપાના સોગંધ નથી ખવડાવ્યા કે તમે પ્રોજેકટો ચાલુ કરો અને અમે એમાં જોડાઈશું. બિલ્ડરોનો તો આ એક ધંધો છે. અને ધંધામાં ભાવ-તાલ વધતાં ઓછા થતા જ હોય છે. ભાવ વધે તો બિલ્ડરો તરત જ બુકિંગ કરાવનારા વેપારીઓ પાસે ભાવ ફેરની વધારાની રકમની માંગણી કરતા હોય છે. ત્યારે જો ભાવ ઘટે તો મૂળ નક્કી કરેલી રકમમાં કેમ કંઈ ઓછું કરાતું નથી?
આ રીતે બિલ્ડરોથી વેપારીઓ રીતસર છેતરાતા હોય છે. પ્લાન મંજૂરીથી લઈ રજા ચિઠ્ઠી મેળવ્યા પછી થી લઈને વર્ષો સુધી ૧૨ થી ૧૫ વર્ષ સુધી BUC ના મેળવી હોય ત્યાં સુધી જે વેપારીઓના પૈસા પ્રોજેકટોમાં બ્રોકરોના માધ્યમથી બુકિંગ કરાવીને પૈસાનું રોકાણ કરેલ હોય એવા બ્રોકરો અને બિલ્ડરોને એડવોકેટો ના માધ્યમથી કાયદાકીય રીતે પંદર દિવસની સમય મર્યાદામાં નિકાલ ના થાય તો લીગલી નોટિસ આપી ને બ્રોકરો અને બિલ્ડરોને રેરાના કાયદા મુજબ કોર્ટના માધ્યમથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
ઉપરાંત જે વેપારીઓએ કાચી ચિઠ્ઠી કે માત્ર ડાયરી ઉપર નાણાંની લેવડ-દેવડ કરી હોય એમણે પણ ગભરાવાની કોઈ જરૂર નથી. ભલે તમારી પાસે સાધારણ લખાણ હશે એને પણ FSL માં મોકલી લેબોરેટરી રિપોર્ટ કરાવાશે. જેમાં આડખીડી રૂપ બનતી પોલીસ હોય કે અસામાજિક તત્વો કેમ ના હોય? એમની ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરી વેપારીઓને ન્યાય અપાવાશે.





