રિક્ટર સ્કેલ પર ૨.૬ ની તીવ્રતા નોંધાઈ અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો આંચકો અનુભવાતા જ ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ૪.૩૯ વાગ્યે ૨.૬ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદથી માત્ર ૨૯ કિલોમીટર દૂર નોંધાયું હતું. પૃથ્વીના પેટાળમાં થયેલી આંતરિક હલચલને કારણે આ આંચકો આવ્યો હતો, જેનાથી ઊંઘી રહેલા નાગરિકોમાં થોડી ક્ષણો માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સવારે જ્યારે મોટા ભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા, ત્યારે અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં કેટલાક વિસ્તારોમાં પંખા અને ઘરવખરીના સામાનમાં ધ્રુજારી જાેવા મળી હતી. આંચકો અનુભવાતા જ ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. આઈ.એસ.આર. (ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેસ્મોલોજીકલ રિસર્ચ) અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમદાવાદ નજીક ૨૯ કિમી અંતરે હોવાથી નજીકના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્પષ્ટ આંચકો અનુભવાયો હતો. તીવ્રતા રિએક્ટર સ્કેલ પર ૨.૬ જેટલી ઓછી હોવાથી કોઈ મોટું નુકસાન કે જાનમાલની હાનિ થઈ નથી. પરંતુ ભૂતકાળના ભૂકંપના કડવા અનુભવોને યાદ કરીને લોકો થોડી વાર માટે ભયભીત થઈ ગયા હતા. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.હવામાન અને ભૂસ્તરશાસ્ત્રીય નિષ્ણાતોના મતે ૨.૬ની તીવ્રતા ધરાવતા ભૂકંપ સામાન્ય રીતે મોટું નુકસાન પહોંચાડતા નથી, તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. જાેકે, આવા હળવા આંચકાઓ ભૂગર્ભીય હિલચાલનો સંકેત આપે છે. આ ઘટના બાદ સ્થાનિક આફત વ્યવસ્થાપન ટીમ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) વધુ એલર્ટ બની ગઈ છે અને સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. સ્થાનિક પ્રશાસને લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અને ભૂકંપ સમયે લેવાતી જરૂરી સાવચેતીના પગલાંઓ યાદ રાખવા માર્ગદર્શન આપ્યું છે.





