આંદોલન પર રાઘવ ચઢ્ઢાની પ્રથમ પ્રતિક્રિયા વિદ્યાર્થીઓનો વિરોધ વાજબી પણ તેમાં રાજકીય રેલી ન થવી જાેઈએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન બિલને સમર્થન આપ્યું રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે સાર્વજનિક પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન બિલનું જાેરદાર સમર્થન કર્યું છે.
તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની માંગણીઓ સંપૂર્ણપણે વ્યાજબી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર સરકારના વડા તરીકે નહીં પરંતુ યુવાનોના વાલી તરીકે જવાબદારી નિભાવી છે. ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું કે પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓ માટે મીડિયા સાઉન્ડ બાઈટ્સ નહીં, પરંતુ સંસ્થાકીય ઉકેલોની જરૂર છે. કેન્સરની સારવાર ક્રોસિનથી થઈ શકે નહીં, તેમ પરીક્ષા લીકને માત્ર નિવેદનોથી દૂર કરી શકાતી નથી.
વિદ્યાર્થીઓ અને પરિવારોના સંઘર્ષને યાદ કરતા તેમણે કહ્યું કે પરિવારો ઘરનું બજેટ કાપીને અને લોન લઈને બાળકોને કોટા, ચંડીગઢ, જયપુર, દિલ્હી કે પટના જેવા શહેરોમાં મોકલે છે, જ્યાં વિદ્યાર્થીઓ દિવસના ૧૮ કલાક અભ્યાસ કરે છે. એકમાત્ર લીક થયેલું પેપર વર્ષોની મહેનત, માનસિક સ્વાસ્થ્ય અને આશાઓને નષ્ટ કરી દે છે. પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું કે તેઓ આ દર્દને સારી રીતે સમજે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓનું આંદોલન સ્વતંત્ર રહેવું જાેઈએ અને તેને ક્યારેય રાજકીય પક્ષોની રેલી ન બનાવવી જાેઈએ.
નવા બિલ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે આ કાયદો પેપર લીકને અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા નહીં પરંતુ સંગઠિત સિન્ડિકેટ દ્વારા કરાયેલા ગુના તરીકે જાેવે છે.
અંતમાં તેમણે કહ્યું કે આ સુધારાઓ પેપર લીક સામે ઝીરો ટોલરન્સની નીતિ દર્શાવે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સરકાર માટે સર્વોપરી છે.





