
ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાની તૈયારી પાકિસ્તાને કર્યું મસ્જિદનું લોકાર્પણ તો ભડક્યું જાપાન! ફોરેસ્ટ લૅન્ડ પર મંજૂરી વગર ઊભી કરી દીધી મસ્જિદ જાપાનના સાયતામા પ્રાંતના કાવાગોએ શહેરમાં કાનૂની મંજૂરી વિના એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો વિવાદ સામે આવ્યો છે. આ મામલે જાપાન સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર ભારે નારાજ હોવાના અહેવાલો છે. વિવાદ એટલા માટે વધુ વકર્યો છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં જાપાનમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ હમીદ પોતે આ મસ્જિદના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જાપાની મીડિયામાં આ અંગે તીખા અહેવાલો આવ્યા બાદ, પાકિસ્તાની દૂતાવાસે આ પ્રોજેક્ટથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી દીધું છે.
શહેરી પ્રશાસનના જણાવ્યા અનુસાર, મસ્જિદનું નિર્માણ સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હોવાથી આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવે એટલે કે બુલડોઝર ચલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
જાપાનના પ્રતિષ્ઠિત અખબાર દ આસાહી શિમ્બુનના અહેવાલ મુજબ, આ મસ્જિદ આશરે ૪,૫૦૦ ચોરસ મીટરના એક એવા પ્લોટ પર બનાવવામાં આવી છે જેને સરકારી રેકોર્ડમાં પર્વતીય વનજમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ વિસ્તાર શહેરીકરણ નિયંત્રણ ક્ષેત્ર હેઠળ આવે છે. જાપાનના કાયદા મુજબ આ ઝોનમાં સ્થાનિક સત્તાધીશોની વિશેષ પરવાનગી વિના કોઈપણ પ્રકારનું પાકું બાંધકામ કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
કાવાગોએ શહેરના અધિકારીઓએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, “આ મસ્જિદનું નિર્માણ સિટી પ્લાનિંગ ઍક્ટ હેઠળ વિશેષ મંજૂરી મેળવ્યા વિના કરવામાં આવ્યું છે. સંબંધિત ઇમારતનું નિર્માણ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.”
સરકારી દસ્તાવેજાે દર્શાવે છે કે આ જમીનની માલિકી માર્ચ ૨૦૨૫માં ફુજીમી સ્થિત એક રિયલ એસ્ટેટ કંપની પાસેથી બદલાઈને કાવાગોએની એક ફર્મ પાસે ગઈ હતી. આ વિવાદ અંગે જાપાનમાં રહેતા અને યાશિયો મસ્જિદનું પ્રતિનિધિત્વ કરતાં ૬૨ વર્ષીય પાકિસ્તાની નાગરિક શકીલ શેખ મોહમ્મદે પણ આ ગેરકાયદેસર પ્રોજેક્ટની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, જાે તેઓ મંજૂરી વગર મસ્જિદ બનાવી રહ્યા છે તો તે કાયદાની દૃષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. સ્થાનિક જાપાની લોકો સાથે સારા સંબંધો બાંધીને જ ધાર્મિક સ્થળો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી શકાય, કાયદો તોડીને નહીં.
મામલો વણસતા જાપાન સ્થિત પાકિસ્તાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર સત્તાવાર નિવેદન જાહેર કરીને પોતાના નાગરિકોને સ્થાનિક કાયદાનું પાલન કરવા કડક સલાહ આપી છે. દૂતાવાસે પોતાના સમુદાયને અપીલ કરી છે કે તેઓ આ મામલે જાપાની અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકાર આપે.
૩૧ મેના રોજ જાહેર કરાયેલા એક અલગ સ્પષ્ટતા પત્રમાં દૂતાવાસે જણાવ્યું કે, પાકિસ્તાની રાજદૂત અબ્દુલ હમીદે ૩ એપ્રિલ૨૦૨૬ના રોજ કાવાગોએમાં આયોજિત આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ તેમણે આ આમંત્રણ માત્ર એટલા માટે સ્વીકાર્યું હતું કારણ કે આયોજકોએ તેમને ખોટી ખાતરી આપી હતી કે સ્થાનિક સરકાર પાસેથી તમામ જરૂરી કાનૂની મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે તેઓ એવા કોઈપણ પ્રોજેક્ટને સમર્થન આપતા નથી જે જાપાનના કાયદાનું ઉલ્લંઘન કરતું હોય.





