
૧૫ જૂને પૂછતાછ માટે બોલાવાયા શિક્ષણ ભરતી કૌભાંડ : અભિષેક બેનરજીને ED નું સમન્સ મામલો પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સાથે જાેડાયેલો છે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ મચી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની એક ટીમ કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અભિષેક બેનર્જીના નિવાસ્થાને પહોંચી હતી. ઈડીના અધિકારીઓએ પ્રાથમિક શિક્ષક ભરતી કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તેમને સત્તાવાર રીતે સમન્સ પાઠવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, અભિષેક બેનર્જીને આગામી ૧૫ જૂનના રોજ તપાસમાં જાેડાવા માટે બોલાવવામાં આવ્યા છે. આ દિવસે તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થઈને અધિકારીઓના સવાલોના જવાબ આપવા પડશે. આ સમગ્ર મામલો પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સાથે જાેડાયેલો છે.
નોંધનીય છે કે, અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા છે અને તેઓ લાંબા સમયથી કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડાર પર રહ્યા છે. હાલમાં આ મામલે ખૂબ વિગતવાર માહિતી સામે આવી નથી. પરંતુ ઈડીનું સમન્સ મળ્યા બાદ હવે તમામની નજર એ વાત પર ટકેલી છે કે અભિષેક બેનર્જીનું આગામી પગલું શું હશે.





