
૩ મીટર ઊંચી સુનામીની ચેતવણી, ઇન્ડોનેશિયા-મલેશિયા સુધી એલર્ટ.ફિલિપાઇન્સમાં ૭.૮ તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી : એકનું મોત.ફલિપાઇન્સના ભૂકંપ સંસ્થા અનુસાર તેની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી, જ્યારે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે ૭.૮ તીવ્રતા અને ૫૫ કિલોમીટર ઊંડાઈ નોંધાવી.ફિલિપાઇન્સમાં સોમવારે સવારે ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. ત્યારબાદ ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. પ્રારંભિક અહેવાલો અનુસાર ઘણા મકાનોને નુકસાન થયું છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.ભૂકંપનું કેન્દ્ર મિન્ડાનાઓ ટાપુના જનરલ સેન્ટોસ શહેરથી લગભગ ૧૩ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું. ફિલિપાઇન્સના ભૂકંપ સંસ્થા અનુસાર તેની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી, જ્યારે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે ૭.૮ તીવ્રતા અને ૫૫ કિલોમીટર ઊંડાઈ નોંધાવી.પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી છે કે ફિલિપાઇન્સના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩ મીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે. જ્યારે ઇન્ડોનેશિયા અને મલેશિયાના કેટલાક દરિયાકિનારા પર ૧ મીટર સુધી ઊંચા મોજાનો ખતરો છે.ભૂકંપ બાદ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. જનરલ સેન્ટોસ શહેરમાં અનેક મકાનો અને ઇમારતોને નુકસાન થયું છે. રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઊંચા સ્થાનો પર જવાની અપીલ કરી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે ભૂકંપ બાદ તીવ્ર આંચકા આવી શકે છે.ફિલિપાઇન્સ વિશ્વના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત દેશોમાંનો એક છે. તે પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ ક્ષેત્રમાં આવેલું છે, જ્યાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ થતી રહે છે.





