
બાંદ્રા કુર્લાની લોજિસ્ટિક કંપનીમાં માલિકનો વિશ્વાસ કેળવી ચોરીનું કાવતરું ઘડયું હતું મુંબઈમાંથી ૩.૬ કરોડની હીરાની ચોરી કરનાર પાલનપુરથી ઝડપાયો ઝડપાયેલા આરોપીને મુંબઈ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી
મુંબઈના બાંદ્રા કુર્લા વિસ્તારમાંથી રૂ.૩.૬ કરોડના હીરાની ચોરીને અંજામ આપનારા માસ્ટરમાઇન્ડ આરોપીને બનાસકાંઠા એલસીબીએ પાલનપુર હાઇવે વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીને મુંબઈ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.ડીસાના છત્રાલા ગામનો દિલીપગર બાબુગર ગૌસ્વામી મુંબઈના બાંદ્રા કુર્લા ખાતે આવેલી એસ.એમ. સ્ક્વેર લો ફર્મ, એલ.એલ.પી. કંપનીમાં નોકરી કરતો હતો. જેણે કંપનીના માલિકનો વિશ્વાસ કેળવી અન્ય સહ-આરોપીઓ સાથે મળીને ચોરીને અંજામ આપવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીએ પાર્સલ બોક્સમાં રાખેલા રૂ. ૩,૬૦,૪૮,૬૮૩ની કિંમતના હીરાની ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે મહારાષ્ટ્રના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. મુંબઈ પોલીસે આ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ કરતાં બનાસકાંઠા એલસીબીનો સંપર્ક કર્યાે હતો. જે દરમિયાન, બનાસકાંઠા એલસીબીના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મૂળ ડીસા તાલુકાના છત્રાલા ગામનો વતની છે અને હાલ મુંબઈના ભોલેશ્વર કબુતરખાના વિસ્તારમાં રહે છે. જે પાલનપુરના હાઈવે વિસ્તારમાં આવવાનો છે. આ બાતમીના આધારે એલસીબીએ ઝડપી લીધો હતો.





