
શ્વાનની ઓળખ માણસો કરતાં વધુ સરળ બનશે અમદાવાદમાં હવે માણસો સાથે શ્વાનની પણ ગણતરી થશે AMC ના જ આંકડા કહે છે કે છેલ્લા ૭ વર્ષમાં ૧ લાખ ૯૯ હજારથી વધુ શ્વાનનું ખસીકરણ અને સ્ટેરિલાઈઝેશન કરવામાં આવ્યું છે
અમદાવાદમાં હવે માણસો સાથે શ્વાનની પણ ગણતરી થશે. AMC એ ૨૮ લાખ રૂપિયાના ખર્ચે ડોગ સેન્સસ શરૂ કર્યું છે.દરેક શ્વાનને યુનિક આઈડી મળશે.માઇક્રોચિપ લાગશે અને તેનો આખો બાયોડેટા એપમાં જાેવા મળશે.પરંતુ બીજી તરફ માત્ર એક જ મહિનામાં ૭ હજારથી વધુ લોકો રખડતા શ્વાનના કરડવાના શિકાર બન્યા છે.એટલે સવાલ એ છે કે શહેરમાં લોકો વધુ સુરક્ષિત બનશે કે પછી શ્વાન વધુ અપડેટેડ બનશે?
અમદાવાદમાં કદાચ હવે શ્વાનની ઓળખ માણસો કરતાં વધુ સરળ બની જશે કારણ કે AMC એ શહેરના દરેક રખડતા શ્વાનનો ડેટાબેઝ બનાવવાની તૈયારી શરૂ કરી છે.૨૮ લાખ રૂપિયાના ખર્ચે ડોગ સેન્સસ શરૂ કરાયું છે. રખડતા શ્વાન ક્યાં રહે છે ? ક્યારે જન્મ્યા હશે ? સ્ટેરિલાઈઝ થયો છે કે નહીં ? તેની પણ ફાઈલ તૈયાર થશે. જે લોકોને દરરોજ ગલીના નાકે શ્વાન દોડાવે છે તેમની સુરક્ષાની ફાઈલ હજુ પણ અધૂરી જ છે.AMC પાંચ વોર્ડમાં પાયલોટ સર્વેમાં ૬ હજાર ૬૪૦ શ્વાન મળી આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વર્ષોથી સ્ટેરિલાઈઝેશનની કામગીરી ચાલે છે છતાં છતાં સંખ્યા હજુ પણ ચિંતાજનક છે.
AMC ના જ આંકડા કહે છે કે છેલ્લા ૭ વર્ષમાં ૧ લાખ ૯૯ હજારથી વધુ શ્વાનનું ખસીકરણ અને સ્ટેરિલાઈઝેશન કરવામાં આવ્યું છે.તેના પાછળ ૧૯ કરોડથી વધુનો ખર્ચ પણ થયો છે.પણ સવાલ એ છે કે જાે આટલી મોટી કામગીરી સફળ રહી હોય તો ડોગ બાઇટના કેસ કેમ નથી ઘટતા? હવે વાત કરીએ સૌથી ચોંકાવનારા આંકડાની. માત્ર એપ્રિલ-૨૦૨૬માં શહેરમાં ૮ હજાર ૬૧૯ એનિમલ બાઇટના કેસ નોંધાયા છે.જેમાં ૭ હજાર ૪૨૩ કેસ માત્ર રખડતા શ્વાનના છે.એટલે દરરોજ સરેરાશ ૨૪૭ લોકો રખડતા શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. મતલબ કે શહેરમાં ડોગ બાઇટ હવે અકસ્માત નહીં પરંતુ રોજિંદી ઘટના બની ગઈ છે.
બીજી તરફ કોંગ્રેસે ડોગ સેન્સસ અને ખસીકરણને લઇને ગંભીર આક્ષેપ મનપા પર લગાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, સર્વેક્ષણનાં નામે ખેલ ચાલે છે. લાખો રૂપિયા તેની પાછળ વાપરવામાં આવ્યા છે. ખસીકરણ માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છતાં પણ ડોગ બાઈટનાં કિસ્સા ઘટયા નથી પરંતુ તેમાં વધારો થયો છે. ત્યારે મનપા આ અંગે ગંભીર બને અને નાગરિકોને સુરક્ષિત હોવાનો અનુભવ કરાવે. ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત છે તો બીજી તરફ ખસીકરણ માટે કરોડો રૂપિયાના આંધણ થઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦માં રખડતા કૂતરાનો આંકડો ૨ લાખ ૧૦ હજાર જેટલો હતો જેના ૮ વર્ષ બાદ પણ તમામ શ્વાનને ખસીકરણ કરવામાં તંત્ર સફળ નથી થયું ત્યારે તંત્ર કેવી રીતે આ ત્રાસથી શહેરીજનોને મુક્તિ અપાવશે.





