
ભારતીય કેપ્ટનની ધરપકડથી ભડક્યું રશિયા રશિયાએ ઇંગ્લિશ ચેનલમાં બ્રિટિશ ધ્વજવાળા યોટ પર કર્યું ફાયરિંગ ટક્કર ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું : રશિયા ઇંગ્લિશ ચેનલમાં રશિયા અને બ્રિટન વચ્ચે તણાવ વધુ વધતો જાેવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા બ્રિટને રશિયાના કથિત શેડો ફ્લીટ સાથે જાેડાયેલા એક તેલ ટેન્કર પર કાર્યવાહી કરીને તેના ભારતીય કેપ્ટન અજય પંતની ધરપકડ કરી હતી. હવે આના જવાબમાં રશિયાએ પોતાનું યુદ્ધ જહાજ ઇંગ્લિશ ચેનલમાં ઉતારી દીધું છે. રશિયન નૌસેનાના ફ્રિગેટ એડમિરલ ગ્રિગોરોવિચએ બ્રિટિશ ધ્વજ ધરાવતા એક યોટની સામે ચેતવણી તરીકે ફાયરિંગ કર્યું હતું. જાે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે ઇંગ્લેન્ડના આઇલ ઓફ વાઇટથી લગભગ ૩૨ કિલોમીટર દક્ષિણમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વિસ્તારમાં બની હતી.
મંત્રાલયનો દાવો છે કે બ્રાઇટ ફ્યુચર નામનું બ્રિટિશ યોટ સીધું રશિયન યુદ્ધ જહાજ તરફ આગળ વધી રહ્યું હતું અને ટક્કર થવાનું જાેખમ ઊભું થયું હતું. રશિયન નૌસેનાનું કહેવું છે કે તેમણે ઘણી વખત રેડિયો દ્વારા યોટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. આ પછી પહેલા સિગ્નલ ફ્લેયર છોડવામાં આવ્યા હતા. જ્યારે યોટ લગભગ ૧૫૦ મીટરની દૂરી સુધી પહોંચી ગયું, ત્યારે ફ્રિગેટના કમાન્ડરે તેના રસ્તાની સામે નાના હથિયારોથી ચેતવણીરૂપ ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ પછી યોટે પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે, પરંતુ જણાવ્યું છે કે ગોળીઓ યોટને નિશાન બનાવીને ચલાવવામાં આવી નહોતી, પરંતુ સંભવિત ટક્કર રોકવા માટે ચેતવણી તરીકે દાગવામાં આવી હતી. બ્રિટિશ નૌસેનાનું પેટ્રોલિંગ જહાજ HMS Mersey આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું હતું.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે બ્રિટને રવિવારે ઇંગ્લિશ ચેનલમાં રશિયાના કથિત ‘શેડો ફ્લીટ’ સાથે જાેડાયેલા તેલ ટેન્કર સ્ફ સ્મિર્ટોસને પોતાના કબજામાં લીધું હતું. છ કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં રોયલ મરીન કમાન્ડો હેલિકોપ્ટર દ્વારા જહાજ પર ઉતર્યા હતા અને સમગ્ર પોતને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. આ કાર્યવાહી બાદ જહાજના ૩૮ વર્ષીય ભારતીય કેપ્ટન અજય પંતની ધરપકડ કરવામાં આવી હતી. બ્રિટનની નેશનલ ક્રાઇમ એજન્સી (NCA) એ તેમના પર રશિયાથી પ્રતિબંધિત તેલને ત્રીજા દેશ સુધી પહોંચાડવાનો અને બ્રિટિશ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને સાઉથહેમ્પટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.
બ્રિટને સ્ફ સ્મિર્ટોસને ડોર્સેટ કિનારા પાસે રોકી રાખ્યું છે. જહાજ પર હાજર ક્રૂ મેમ્બર્સના ૨૪ સભ્યો, જેમાં ભારતીય અને જ્યોર્જિયન નાગરિકો સામેલ છે, તેઓ હજુ પણ પોત પર જ છે અને તપાસ એજન્સીઓને મદદ કરી રહ્યા છે. ભારતના હાઈ કમિશને પોતાના નાગરિકો સુધી કાઉન્સિલર એક્સેસ મેળવવાની માગ કરી છે. યુક્રેન યુદ્ધ પછી પશ્ચિમી દેશોએ રશિયાના તેલ નિકાસ પર કેટલાય પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોને બાયપાસ કરવા માટે રશિયા કથિત રીતે જૂના તેલ ટેન્કરોના એક નેટવર્ક એટલે કે ‘શેડો ફ્લીટ’નો ઉપયોગ કરે છે. બ્રિટને હવે આવા ૨૦થી વધુ જહાજાે પર નવા પ્રતિબંધો લાદી દીધા છે.





