
યોગની વિવિધ મુદ્રાઓ જેવી આકૃતિઓ સર્જાતી દેખાશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કોલકત્તામાં દેખાશે અનોખો નજારો હૂગલી નદીની લહેરો પર યોગનો મહાકુંભ! ૫૦૦થી વધુ નૌકાઓ પર એકસાથે થશે યોગાસન યોગનો ઉલ્લેખ થાય એટલે પાર્ક, મેદાન, સ્ટેડિયમ અથવા નદીના ઘાટ પર યોજાતા કાર્યક્રમોની તસવીર આંખો સામે આવી જાય. પરંતુ કલ્પના કરો કે નદીના મધ્યમાં સૈંકડો નૌકાઓ એકસાથે તરતી હોય અને હજારો લોકો એકસાથે યોગાસન કરતા હોય! આ અદ્ભુત દૃશ્ય આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલકાતામાં જાેવા મળશે.
૨૧ જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના ઐતિહાસિક બાબુઘાટ અને હૂગલી નદી આ અનોખા કાર્યક્રમના સાક્ષી બનવાના છે. આયોજકોના જણાવ્યા અનુસાર હૂગલી નદીમાં ૫૦૦થી વધુ પ્રવાસી અને મુસાફરી માટે ઉપયોગમાં લેવાતી નૌકાઓને એકત્રિત કરવામાં આવશે, જેમાં સુંદરબન વિસ્તારથી આવતી નૌકાઓનો પણ સમાવેશ થશે.
આ નૌકાઓને એવી રીતે ગોઠવવામાં આવશે કે ઉપરથી જાેતા યોગની વિવિધ મુદ્રાઓ જેવી આકૃતિઓ સર્જાતી દેખાશે. નદીની શાંત લહેરો વચ્ચે જ્યારે હજારો લોકો યોગ કરશે ત્યારે સમગ્ર વિસ્તાર એક જીવંત યોગમંચમાં ફેરવાઈ જશે. પાણીની વચ્ચે થતો આ સામૂહિક યોગ કાર્યક્રમ માત્ર દર્શકો માટે જ નહીં, પરંતુ વિશ્વભરના યોગપ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ આયોજનની ખાસ વાત એ છે કે તેનો હેતુ માત્ર યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો નથી. આયોજકો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાની સંભાવના પણ શોધી રહ્યા છે. નૌકાઓ પર એકસાથે યોજાતા સામૂહિક યોગના આ કાર્યક્રમને વિશ્વ રેકોર્ડ તરીકે નોંધાવવાની તૈયારી ચાલી રહી છે.
બીજી તરફ કોલકાતાના રોડ પર પણ હજારો લોકો એકસાથે યોગ કરશે. એક જ શહેરમાં જમીન અને નદી બંને સ્થળે યોજાતા આ વિશાળ કાર્યક્રમો યોગ દિવસને વધુ વિશેષ બનાવશે. હૂગલી નદી પરનું આ દૃશ્ય આધ્યાત્મિકતા, પ્રકૃતિ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ રજૂ કરશે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬માં કોલકાતા માત્ર એક શહેર નહીં, પરંતુ યોગની વૈશ્વિક રાજધાની તરીકે ઉભરી શકે છે. હૂગલીની લહેરો પર યોગનો આ મહાકુંભ નિશ્ચિતપણે વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશે અને યોગની પ્રાચીન ભારતીય પરંપરાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે.





