
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે આપેલા ચુકાદા અંગે વાત કરતા આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો અવાજ કોઈ ન ઉઠાવે, અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજની પીડાઓની વાત કોઈ ન કરે, એટલા માટે ચૈતરભાઈ વસાવા ઉપર ભાજપની સરકારે ખોટો કેસ કર્યો છે. સરકારી પુરાવાઓ, સરકારી મશીનરી અને સરકારી વકીલો સહિત સમગ્ર તંત્રનો દુરુપયોગ કરીને તેમને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આદિવાસી સમાજના યુવાન નેતાનો અવાજ દબાવી દેવાનો ખોટો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું ભાજપ સરકારને કહેવા માંગું છું કે તમે એક ચૈતર વસાવાને જેલમાં પૂરશો તો અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિવાસી પટ્ટીમાં હજારો ચૈતર વસાવા ઉભા થશે. આ લડત કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના હક અને અધિકારોની લડત છે.
’આપ’ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે હું આદિવાસી સમાજના તમામ સંગઠનોને પણ નમ્ર અપીલ કરું છું કે તમારા સમાજ માટે અવાજ ઉઠાવતા એક ચહેરાને જ્યારે ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય, ત્યારે તમામ મતભેદો ભૂલીને એક થવું જોઈએ અને સરકાર સામે મજબૂત રીતે અવાજ ઉઠાવવો જોઈએ. સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે કાયદાકીય લડત પૂરી તાકાતથી લડશે. આ મામલે જે પણ કાનૂની વિકલ્પો ઉપલબ્ધ હશે, તે તમામ વિકલ્પોનો ઉપયોગ કરીને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં લડત લડવામાં આવશે. માત્ર કાયદાકીય સ્તરે જ નહીં, પરંતુ મેદાનમાં પણ આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મજબૂતીથી ઉભી રહેશે.





