
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાનો ગુનો શું છે? તેમના પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે સરકારી કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો. પરંતુ પ્રશ્ન એ છે કે શું આવા ગુનામાં સાત વર્ષની સજા થતી હોય? જો સરકારી કર્મચારી સાથેના કથિત દુર્વ્યવહાર માટે સાત વર્ષની સજા થતી હોય, તો ગુજરાતની જનતાને છેતરનારા અને અન્યાય કરનારા લોકોને શું સજા થવી જોઈએ? વાસ્તવિક હકીકત એ છે કે ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. તેઓ ચૂંટાયા ત્યારથી સતત આદિવાસી સમાજના હકો માટે લડતા રહ્યા છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ-જમીન-જંગલ માટે લડવાનો ગુનો, આદિવાસી ભાઈઓના એસટી પ્રમાણપત્રના પ્રશ્ને અવાજ ઉઠાવવાનો ગુનો, વિવિધ પ્રોજેક્ટોના નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓને જમીનના હક અપાવવા માટે લડવાનો ગુનો, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીનના અધિકારો માટે લડવાનો ગુનો, પછાત અને શ્રમિક આદિવાસી વર્ગ માટે લડવાનો ગુનો, તેમજ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ફ્રીશિપ મળે તે માટે લડવાનો ગુનો — આવા અનેક ‘ગુનાઓ’ ચૈતર વસાવાએ કર્યા છે. આમ, સમગ્ર આદિવાસી સમાજના હકો માટે અને સમાજને જાગૃત કરવા માટે લડતા ચૈતર વસાવા સામે ભાજપે કથિત ષડયંત્ર રચીને તેમને સાત વર્ષની જેલની સજા કરાવવાનું કામ કર્યું છે. સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી અને સરકારી વકીલોના માધ્યમથી ચૈતર વસાવાને સજા અપાવવામાં આવી હોવાનું અમે માનીએ છીએ.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે હવે ચૈતર વસાવાનો કેસ જનતાની અદાલતમાં ચાલશે. હું સમગ્ર ગુજરાતના યુવાનોને અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોને અપીલ કરું છું કે હવે આપણે સંકલ્પ લેવાનો છે. તમામ આદિવાસી યુવાનો અને સમાજના લોકો એકજૂટ બની ચૈતર વસાવાના પક્ષ, આમ આદમી પાર્ટીને સમર્થન આપે અને ભાજપ દ્વારા કરવામાં આવેલા કથિત દગા, ષડયંત્ર અને અન્યાયનો જવાબ આપે. આ કેસમાં જે ઝડપથી કાર્યવાહી થઈ અને જે ઝડપથી સજા સંભળાવવામાં આવી તે પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ ઘણા કેસો વર્ષો સુધી ચાલતા હોય છે, પરંતુ ચૈતર વસાવાના કેસમાં ખૂબ ઝડપથી ચુકાદો આવ્યો છે. આ સજા માત્ર ચૈતર વસાવાની નથી. આ સજા તે તમામ લોકોની છે, જેમના માટે ચૈતર વસાવા લડતા રહ્યા છે. શિક્ષણમાં પાછળ રહી ગયેલા, રોજગારમાં પાછળ રહી ગયેલા, વ્યવહારમાં પાછળ રહી ગયેલા અને પોતાના હકો માટે સંઘર્ષ કરતા આદિવાસી સમાજના હજારો યુવાનોની આ પીડા છે. હું તમામ યુવાનોને અપીલ કરું છું કે ચૈતર વસાવાને ન્યાય મળે તે માટેના સંઘર્ષમાં જોડાઓ. અમે હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, રસ્તા અને વિધાનસભા સુધી દરેક મંચ પર આ લડત લડશું. ચૈતર વસાવા, આદિવાસી સમાજ અને ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે સંઘર્ષ ચાલુ રહેશે.





