
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયૂર સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ સંગઠન મંત્રી ડો. કે. એમ. રાણા, લોકસભા પ્રમુખ રમેશ મેર અને સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવેએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 27 જૂન 2026ના રોજ વઢવાણ તાલુકાના નગરા મુકામે સાંજે 4 વાગે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીઓએ ખેડૂતોના ખેતરોમાં ભાડૂતી પોલીસ લાવીને વળતર ચૂકવ્યા વગર વીજપોલ નાખીને જે દમન કર્યું છે, એના અનુસંધાને આમ આદમી પાર્ટીએ આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું છે આમ આદમી પાર્ટી ખેડૂતો પર થઈ રહેલા અત્યાચારો અને અન્યાયની વિરુદ્ધ લડી રહી છે અને ખેડૂતોની સાથે ઉભી છે. આ મહાપંચાયતમાં વઢવાણ તાલુકા અને તેના આસપાસના વિસ્તારોમાંથી 5,000થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહેશે. મીડિયાના માધ્યમથી અમે તમામ ખેડૂતોને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ સંખ્યામાં આ ખેડૂત મહાપંચાયતમાં પોતાની હાજરી આપો અને ખેડૂતોના આંદોલનને મજબૂત બનાવો.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સાકરીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વઢવાણ તાલુકાના નગરા ગામે ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવી છે. પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા, અદાણી દ્વારા ખેડૂતોના ખેતરોમાં જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ફક્ત સુરેન્દ્રનગર જ નહીં પરંતુ આસપાસના અનેક વિસ્તારોમાં અને ગુજરાતભરના અનેક વિસ્તારોમાં ખેડૂતો સાથે આ રીતે અન્યાય થઈ રહ્યો છે. એના વિરુદ્ધમાં નગરા ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને ન્યાય મળે એ ઉદ્દેશો સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેડૂત મહાપંચાયતમાં પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત પ્રદેશના તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે અને ખેડૂતો માટે અવાજ ઉઠાવશે.





