આમ આદમી પાર્ટી દ્વારા વીજપોલ સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને આગામી 5 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાર્ટીના પ્રદેશ નેતૃત્વ, ખેડૂતો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ખેડૂતોના હકો માટે અવાજ ઉઠાવશે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય છે, હાલ ખેડૂતોના ખેતરોમાં ગેરકાયદેસર રીતે જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, તેની સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. જેતપરમાં ઘણા દિવસથી ખેડૂતો ઉપવાસ પર છે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લોકશાહી ઢબે લડત લડી રહ્યા છે. હવે ચોમાસામાં ઘણી જગ્યાએ વધારે વરસાદથી પાણી ભરાશે અને પાક ફેલ થશે, જો ઓછો વરસાદ થશે તો પૂરતું ઉત્પાદન નહીં આવે, જો બધું સારું રહ્યું તો ખેડૂતોને અંતે પૂરતા ભાવ નહીં મળે.
વધુમાં આમ આદમી પાર્ટીના કિસાન નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ખેડૂતોએ આંદોલન કર્યા, AAPએ કિસાન મહાપંચાયત યોજી, પરંતુ ભાજપ સરકારના પેટનું પાણી નથી હલતું. ખેડૂતોના પ્રશ્ને સરકાર દ્વારા એક પણ મિટિંગ કરવામાં પણ આવી રહી નથી. તો હવે ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો મુદ્દે, ખેતરોમાં નખાતા વીજપોલ મુદ્દે અને હવે આવનાર દિવસોમાં ખેડૂતોના જે પ્રશ્નો ઊભા થવાના છે, તે મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા 5 જુલાઈના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સામૂહિક ઉપવાસ કરશે. તો ગુજરાતના તમામ ખેડૂતોને આ સામુહિક ઉપવાસ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ છે. ગાંધીનગર સુધી ખેડૂતોના મુદ્દાને પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી પ્રયત્ન કરશે. જે મુદ્દાઓને લઈને ખેડૂતો ઝઝૂમી રહ્યા છે તેને લઈને સરકાર ત્વરિત નિરાકરણ લાવે તે માટે આમ આદમી પાર્ટી સામૂહિક ઉપવાસ યોજી રહી છે.





