ગુજરાતમાં આતંકી નેટવર્કની કોશિશ નિષ્ફળ ATS ના હાથે જૈશ-એ-મોહમ્મદના આઠ આતંકવાદીઓ ઝડપાઈ ગયા ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓ ઝડપાયા : આરોપીઓ પોતાનું સક્રિય નેટવર્ક ઊભું કરવાનું કામ કરી રહ્યા હતા ગુજરાત ATS ને એક સૌથી મોટી સફળતા મેળવી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા ૮ ખતરનાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાંથી આ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકવાદીઓ કામગીરી કરી રહ્યા હતાં. ગુજરાત એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આતંકવાદીઓ કામગીરી કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે.
દેશની આંતરિક સુરક્ષાને લઈને અમદાવાદ ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) અને ગુજરાત પોલીસ દ્વારા એક અત્યંત મોટું અને મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કથિત રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય એવા કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જાેડાયેલા ૮ સક્રિય લોકોની સુરક્ષા એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત કનેક્શન ધરાવતા શખ્સોની ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મધ્ય પ્રદેશમાંથી અટકાયત કરવામાં આવી છે.
સુરક્ષા એજન્સીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા તમામ લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી સંગઠન સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હતા. આ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ગુજરાત અને મધ્ય પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામ શખ્સો સામે આતંકી મોડ્યુલનો હિસ્સો હોવાની આશંકા હેઠળ કાયદેસરની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ATS ઓપરેશન દરમિયાન ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર (ભાગલ) ખાતેથી ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ૧૯ વર્ષીય અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા ઉર્ફે અબુ ઉબૈદા, ૩૦ વર્ષીય ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉર્ફે અબુ હમઝા અને ૨૨ વર્ષીય મુદ્દસિર અબ્દુલ્લા ગાઝીવાલા ઉર્ફે અબુ અયાનો સમાવેશ થાય છે. પાલનપુર પંથકમાંથી એકસાથે ત્રણ લોકો પકડાતા સ્થાનિક સ્તરે પણ ચકચાર મચી ગઈ છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પકડાયેલા આ તમામ ૮ આરોપીઓ ગુજરાત રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સક્રિયપણે પોતાનું નેટવર્ક મજબૂત કરી રહ્યા હતા. તેઓ રાજ્યમાં શાંતિ અને સુરક્ષાને ડહોળવાનું મોટું કાવતરું ઘડી રહ્યા હતા. જાેકે, ગુજરાત ATS ની સતર્કતાને કારણે આ આતંકીઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. સમયસર થયેલી આ ધરપકડને કારણે રાજ્યમાં થનારા સંભવિત મોટા આતંકવાદી હુમલા કે દુર્ઘટનાની આશંકા ટળી ગઈ છે.
ધરપકડ કરાયેલા આરોપીઓના નામ
૧. અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા ઉર્ફે અબુ ઉબૈદા (૧૯ વર્ષ) – રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા
૨. ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉર્ફે અબુ હમઝા (૩૦ વર્ષ) – રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા
૩. મુદસ્સીર અબ્દુલ્લા ગાજીવાલા ઉર્ફે અબુ અયા (૨૨ વર્ષ) – રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા
૪. ઝકરિયા દુર્રાની મોહમ્મદ અમ્માર ઘાઘા ઉર્ફે ઈબ્ને અમ્માર ઉર્ફે ઝકરિયા પાલનપુરી
(૨૧ વર્ષ) – રહે. જામિયા અબુલ હસન મદ્રેસા, ખડીયાસણા, સિદ્ધપુર, પાટણ
૫. મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દાવુવા ઉર્ફે મુફ્તી સાહબ (૪૦ વર્ષ) – રહે. જામિયા અબુલ હસન મદ્રેસા, ખડીયાસણા, સિદ્ધપુર, પાટણ
૬. મોહમ્મદ અમીન શેરા ઉર્ફે અમીન પાલનપુરી (૨૧ વર્ષ) – રહે. જામિયા અબુલ હસન મદ્રેસા, ખડીયાસણા, સિદ્ધપુર, પાટણ
૭. મોહમ્મદ અબ્દુલ રહમાન સાવદી ઉર્ફે મોહમ્મદ પાલનપુરી ઉર્ફે અબુ ઉનીસા (૨૨ વર્ષ) – રહે. જામિયા રહમાનિયા ખાંભિયા, અંભેટા, ચીખલી, નવસારી
૮. બિલાલ દુર્રાની મોહમ્મદ અમ્માર ઘાઘા ઉર્ફે અબુ દુજાના ઉર્ફે અબુ સુફિયાન ઉર્ફે અબુ જુન્દાલ ઉર્ફે ઉમર બિન ખત્તાબ (૧૮ વર્ષ) – રહે. વારસી નગર, દેવાસ, મધ્ય પ્રદેશ
આ તમામ શખ્સો સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જાેડાયેલા હોવાના ગંભીર આરોપો હેઠળ એટીએસ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને આરોપીઓ પાસેથી મોટી માત્રામાં દેશ વિરોધી સાહિત્ય અને અન્ય સંદિગ્ધ સામગ્રી મળી આવી છે. આ સામગ્રીઓ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ કયા પ્રકારના આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાની તૈયારીમાં હતા. હાલમાં ATS આ જપ્ત કરાયેલી સામગ્રીનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી રહી છે.
ATS હવે આ આરોપીઓના નેટવર્કને તોડવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
મુખ્યત્વે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ આતંકીઓ દેશ-વિદેશમાં કોના કોના સંપર્કમાં હતા અને તેમને આ કામગીરી માટે ક્યાંથી સૂચનાઓ મળતી હતી. આ ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.





