(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
વિશ્વની ચોથી જાગીર ગણાતું પત્રકારત્વ જગત આજે જાણે કે ભયજનક સ્થિતિમાં આવી ગયું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પત્રકારત્વ જગત સાથે જોડાયેલી વ્યક્તિ એટલે પત્રકાર. જેનું કામ છે પ્રજાની સમસ્યાઓને વાચા આપવી, પ્રજાને થતા અન્યાય સામે નિર્ભય અને નીડરતાપૂર્વક અખબારી માધ્યમથી સરકારનું ધ્યાન દોરવું. જે દુષણો છે તેમાં દારૂ અને જુગાર તેમજ અનૈતિક ધંધા, ડ્રગ્સ, ગાંજો, ચરસ, એમ.ડી ડ્રગ્સ વિગેરે ધંધાઓ એ માનવ જગતમાં બરબાદી નોતરી છે. આવા કૃત્યોને બહાર પાડવા એ સાચા પ્રમાણિત અને નિષ્ઠાવાન પત્રકારની ફરજ છે.
સમાજમાં ચાલતા અનૈતિક ધંધાઓને ઉજાગર કરી પોલીસને જાગૃત કરવી વિગેરે કામ પત્રકારોનું છે. પત્રકાર એટલે કોઈ જગ્યાએ ચાલતી અનૈતિક પ્રવૃત્તિને કેમેરામાં કંડારવી કે વીડિયોના માધ્યમથી ગુનેગારોને ખુલ્લા કરી સામાન્ય પ્રજાઓને પીડા આપતા ગુનેગારોને ખુલ્લા કરવાનું કામ ચોથી જાગીરનું છે. જેનાથી પોલીસ અને સરકાર આ બાબતે અખબારી અહેવાલો અને ચેનલોના સમાચારોને ધ્યાનમાં લઈને આવી અનૈતિક પ્રવૃત્તિઓ કરનારાઓની શાન ઠેકાણે લાવવા યોગ્ય કાર્યવાહી કરવાની ફરજ પડે છે.
ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે શું સામાજિક દૂષણો જેવા કે દારૂ,જુગાર, અનીતિના ધામ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ રહી છે એને ખુલ્લી કરવી એ શું કોઈ ગુનો છે? શું એ બાબતે અખબારના માધ્યમથી એ પ્રવૃત્તિને ડામવા માટે પોલીસનું ધ્યાન દોરવા અહેવાલો પ્રસિદ્ધ કરવા એ શું કોઈ ગુનો છે? જો અહેવાલો પ્રસિદ્ધ કરવા એ કોઈ ગુનો હોય તો એ બાબતે અખબાર ને કાયદેસર નોટિસ પાઠવી કોર્ટમાં લઈ જાઓ, કોર્ટ ખુલ્લી છે. પરંતુ કોઈ પત્રકાર પર હુમલો કરવો કે એના પરિવારના માથે જોખમ ઊભું કરી ડરાવવા, ધમકાવવાની પ્રવૃત્તિ કરવી એ કેટલી હદે યોગ્ય છે?
અને જો કોઈ વ્યક્તિને એમ લાગતું હોય કે અમારી પ્રતિષ્ઠા ને હાનિ પહોંચી છે કે સમાજમાં અમારી બેઇજ્જતી થઈ છે તો કાયદેસર રીતે અખબારને નોટિસ પાઠવો, અખબાર સામે માનહાનિ નો દાવો કરવા કોર્ટ ખુલ્લી છે.





