(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતના નાસીનગરમાં થયેલા ભુતિયા ડિમોલિશનનો મામલો હવે જ્યારે ટોક ઓફ ધ ટાઉન બનીને ચર્ચાસ્પદ બની રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટની આંખોમાં ધૂળ નાંખવાની મેલી મુરાદનો પર્દાફાશ થઈ રહ્યો છે. અને સૌથી મહત્વનો એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, જે ડિમોલિશન કરાયું હતું એ કોના આદેશોથી કરાયું હતું? એનો આજ દિન સુધી કોઈ યોગ્ય અને સચોટ જવાબ SMC અધિકારીઓ કે પોલીસ ખાતાના કોઈ ઉચ્ચ અધિકારીઓ આપી શક્યા નથી.
ત્યારે સૌ પ્રથમ સવાલ થાય કે લશ્કર ને ક્યાં લડવા મોકલવુ? એ સેનાપતિએ નક્કી કરવાનું હોય છે નહીં કે લશ્કરે? ત્યારે શું સેનાપતિની આજ્ઞા કે પરમિશન વગર કોઈ લશ્કર ક્યારેય દુશ્મન રાજ્ય ઉપર હુમલો કરી શકે નહીં. ત્યારે અહીં તો સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને ખબર જ નથી કે વેડરોડ નાસીર નગર નામના સુરતના એક વિસ્તારમાં 150 ઉપરાંત કાચા પાકા મકાનો તોડીને રહેવાસીઓને રઝળતા કરાયા છે? એવી એફિડેવીટ ગુજરાત હાઇકોર્ટમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, મારી જાણ બહાર આ ડિમોલિશન કરાયું છે.
એવું જ પોલીસના ઉચ્ચ અધિકારી એટલે કે શહેર પોલીસ કમિશનરને ખબર જ નથી એમની સાથે સીધી રીતે સંકળાયેલી અને પોલીસ કમિશનરની સૂચના વગર આગળ પગલું નહીં ભરી શકતી એવી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ના DCP નકુમ ખુદ જાતે ઊભા રહી રહીશોને ઘરની બહાર નીકળવાની સૂચના આપી ડિમોલિશન કરનારાઓને પ્રોટેક્શન આપી હતી. એવી આ ડિમોલિશન ના મામલે હવે એટલી હદે પેચીદો બની રહ્યો છે કે રાજ્ય સરકાર માં બેઠેલા ખંધા નેતાઓએ તાત્કાલિક ધોરણે એમના વહાલા અને ગુડ બુકમાં નામ ધરાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને બચાવવાના પેંતરા ના ભાગરૂપે હાઇકોર્ટમાં હાજર થવાની તારીખો પહેલા શહેર પોલીસ કમિશનરની અમદાવાદ ખાતે બદલી કરાઈ તો વળી DCP નકુમને એકાએક IPS અધિકારી બનાવીને આ બેજવાબદાર અધિકારીઓને બઢતી સાથે બદલી કરી નંખાઈ ને ગરીબોના ગાલ પર તમાચો મારવાનું “પાપ” રાજ્ય સરકારે કર્યું છે.
આ મોટા મગરમચ્છો ને બચાવવા સુરત મહાનગરપાલિકાના જે પાંચ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે એ પણ એટલા જ જવાબદાર છે કે જેઓ એ આજ સુધી મગનું નામ મરી નહીં પાડી ને સાચા ખેલાડી નો પર્દાફાશ નથી કર્યો. સમગ્ર ભૂતિયા ડીમોલીશનની જે રીતે કામગીરી કરવામાં આવી છે એ જોતા બિલ્ડર, ટોરેન્ટ પાવર, SMC અને પોલીસ એમ ચંડાળ ચોકડીએ ભેગા થઈને ભજવેલી ભૂતિયા ડિમોલિશનની કામગીરીને કારણે આજે 150 પરિવારો સામા ચોમાસા એ રોડ ઉપર આવી ગયા છે.
આ સમગ્ર ઘટનામાં માત્રને માત્ર ગોળ ગોળ વાત જ કરાઈ છે. કોઈ નક્કર કે સ્પષ્ટ બાબત નથી. શહેર પોલીસ કમિશનર કે નથી મહાનગરપાલિકા કમિશનર રજૂ કરી રહ્યા એથી મામલો વધુ ગૂંચવાયેલો છે. જ્યાં કોઈ કહેતા કોઈ એ બાર દિવસ સુધી જવાબદારી લેવાની હિંમત રાખી જ નહીં અને આખરે સીટ નીચે રેલો આવતા વાહિયાત બચાવ કરી જાહેર જનતાની આંખમાં ધૂળ નાખવાના નાટકો શરૂ થઈ રહ્યા છે.
બીજી એક મહત્વની બાબત એ છે કે ડિમોલિશન થયું તે વિસ્તાર કયા ઝોનમાં આવે છે? ઉત્તર કે મધ્ય ઝોનમાં એ પણ ખુલાસો રાજ્ય સરકાર કરી શકી નથી. હાલમાં તો સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ તો ઘેર આરામ કરશે. અને તપાસ વર્ષો સુધી ચાલશે. એટલું જ નહીં સુરત મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓએ એકલા આવું કર્યું હોય એ માની શકાય તેમજ નથી. આ સમગ્ર કૌભાંડમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર કરતા પણ ઉચ્ચ લેવલના અધિકારી મારફતે તપાસની જરૂર જણાય છે ત્યારે જ ખરા ખેલાડીઓનો પર્દાફાશ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમણે એક મહિના દરમિયાન જણાવ્યું હતું કે અમે ઉપરી અધિકારીનું નામ બતાવીશું પરંતુ કોઈ અગમ્ય કારણોસર એમણે નામ ના બતાવ્યું. કારણ કે ઉપરી અધિકારી સુધી પરસેવો છૂટી રહ્યો હતો. અને એને કારણે જ ત્રણ ત્રણ વખત એમનો સસ્પેન્શન રોકાઈ ગયું હતું કારણ કે ઉપરી અધિકારીઓ સુધી બધાને જ મોટા પ્રોબ્લેમ ઊભો થઈ રહ્યા હતા.
કારણ કે સામાન્ય રીતે ડિમોલિશન સમયે જે તે પોલીસ સ્ટેશનની હદમાં ડિમોલિશન કરવાનો હોય એ પોલીસ સ્ટેશનના અધિકારીનો સ્ટાફ બંદોબસ્તમાં રહેતો હોય છે. એને બદલે SOG ના DCP જાતે જ ઉભા રહી ડિમોલિશન કરાવે એ જ બતાવે છે કે આમાં બિલ્ડર લોબી, ટોરેન્ટ પાવર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના મોટા માથાઓના ઇશારે કરાયેલા આ ડિમોલિશનમાં જોવાની ખૂબી એ છે કે હજુ સુધી કોઈ બિલ્ડર કે ટોરેન્ટ પાવરના કોઈ વ્યક્તિ ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં નથી આવી. આવી એ જ બતાવે છે કે નીચેના અધિકારીઓને બલિના બકરા બનાવી મોટા મગરમચ્છો ને બચાવવાના ખેલના ભાગરૂપે રાતોરાત પોલીસ કમિશનરની બદલી અને બહુ ગાજેલા DCP નકુમને IPS અધિકારીનો હોદ્દો એ થોડામાં ઘણું બધું કહી જાય છે ત્યારે હવે જોવાનું એ છે કે આવનારા સમયમાં આ કેસમાં કોનો પર્દાફાશ થાય છે એ જ જોવું રહ્યું.





