ભારત-ઇન્ડોનેશિયા વ્યૂહાત્મક સંબંધો ભારત-ઇન્ડોનેશિયા સંબંધોમાં શરૂ થયો નવા યુગનો અધ્યાય આ સન્માન મારું નહીં, ૧૪૦ કરોડ ભારતીયોનું છે‘ – પીએમ મોદી; વેપાર, સુરક્ષા અને દરિયાઈ સહયોગ વધુ મજબૂત બનશે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્ડોનેશિયા મુલાકાત દરમિયાન બંને દેશોના સંબંધોમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી.
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અને અનેક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સન્માન સ્વીકાર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ એવોર્ડ માત્ર તેમનો વ્યક્તિગત સન્માન નથી, પરંતુ ભારતના ૧૪૦ કરોડ નાગરિકો માટે ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધો સદીઓ જૂના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક જાેડાણ પર આધારિત છે, જે હવે આધુનિક સમયમાં વ્યૂહાત્મક ભાગીદારીના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ બંને દેશો વચ્ચે વિશ્વાસ, સહયોગ અને પરસ્પર સન્માનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે ભારતને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવતાં વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેક્નોલોજી, દરિયાઈ સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજાેના ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂક્યો હતો.
વિશ્લેષકોના મતે આ મુલાકાત ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિને વધુ મજબૂત બનાવશે અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં બંને દેશોની ભાગીદારીને નવી દિશા આપશે. વેપાર અને રોકાણ ઉપરાંત ગ્રીન એનર્જી, ડિજિટલ ટેક્નોલોજી, શિક્ષણ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન જેવા ક્ષેત્રોમાં પણ નવા કરારો અને સહયોગની સંભાવનાઓ વધી છે. જકાર્તામાં મળેલું આ સર્વોચ્ચ સન્માન માત્ર પ્રધાનમંત્રી મોદી માટે જ નહીં પરંતુ ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે વધતી મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક બની રહ્યું છે.





